Wednesday, November 12, 2008

૮ લાખથી વધુ ભાવિકોએ લીલી પરિક્રમા પૂર્ણ કરી

જૂનાગઢ,તા.૧૧
પાંચ દિવસ આગોતરી શરૃ થયેલી ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા એક દિવસ વહેલી જ પૂર્ણ થઈ જાય તેવા એંધાણ વચ્ચે આજે ૯.પ૦ લાખ ભાવિકોએ બીજો પડાવ પસાર કરી લીધો છે. આજે રાત્રે વિધિવત રીતે માળવેલા ખાતે બીજો પડાવ હોય છે. પરંતુ વનવિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આ સ્થળ પણ સાવ ખાલી રહ્યું છે. આશરે ૮ લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધાનું જણાવાઈ રહ્યું છે. ગત તા.૯ ના રોજથી વિધિવત રીતે શરૃ થયેલી શરૃ થયેલી ગીરનારની પરિક્રમા આમ તો પાંચેક દિવસ અગાઉથી જ શરૃ થઈ ગઈ છે. અને રાજ્યભરના તમામ જીલ્લાઓમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. આજે જંગલના બીજા પડાવ માળવેલા ખાતે યાત્રિકોએ પરંપરા અનુસાર રાત્રી રોકાણ કરવાનું હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આગોતરી પરિક્રમાનો નવો જ ચીલો શરૃ થયો છે. તે મુજબ આ વર્ષે પણ એક દિવસ આગોતરી પરિક્રમા પૂર્ણ થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર બીજા પડાવ માળવેલા ખાતે આજે મોડી સાંજે ઓછી સંખ્યામાં ભાવિકો બચ્યા છે. મોટાભાગના યાત્રિકો બીજો પડાવ છોડી આગળ નિકળી ગયા છે. સતાવાર રીતે થયેલી ગણતરી અનુસાર આજે મોડી રાત્રી સુધીમાં ૯.પ૦ જેટલા ભાવિકોએ બીજો પડાવ વટાવી લીધો છે.

જ્યારે ૮ લાખ જેટલા ભાવિકોએ આજે ત્રીજા દિવસે જ પરિક્રમા પૂર્ણ કરી લીધાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવી ખાતે આજે દોઢ થી બે લાખ ભાવિકો રાત્રી રોકાણ કરશે. બોરદેવી તરફથી મોટી સંખ્યામાં યાત્રિકો પરત આવી રહ્યા છે. અને જૂનાગઢ શહેરમાં આવી જોવા લાયક સ્થળોની મુલાકાત લીધી હતી.

જેવી રીતે પરિક્રમામાં આવવા માટે ભાવિકો બસ-ટ્રેનના છાપરે ચડી આવી રહ્યા હતા. તેવી રીતે જ પરત જવામાં પણ બસ ટ્રેનના છાપરે ચડી ભાવિકો પરત પોતપોતાના વતન જઈ રહ્યા છે. જૂનાગઢથી જતા તમામ ખાનગી વાહનો પણ ચીક્કાર ભરાઈને જઈ રહ્યા છે. પરિક્રમા માર્ગ પર અડધે સુધીના અન્નક્ષેત્રો સંકેલાઈ રહ્યા છે. પ્રથમ પડાવ જીણાબાવાની મઢી તો સાવ ખાલી થઈ ગઈ છે. ભવનાથમાં મેળા જેવો માહૌલ રચાયો છે. સમગ્ર સ્થિતીના સરવાળે પરિક્રમા સાવ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.

* ગિરનાર પરિક્રમામાં વધુ એક ભાવિકનું હાર્ટ એટેકથી મૃત્યું

ગીરનાર પરિક્રમામાં ગત તા.૯ ના રોજ કંડલાના એક અધિકારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયા બાદ આજે બપોરે સાણંદ વિસ્તારના વધુ એક યાત્રિકનું મૃત્યુ થવા પામ્યું છે. વન વિભાગના સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર હૈયે હૈયુ દળાય એટલી હકડેઠઠ મેદની વચ્ચે આજે બપોરે ૩:૩૦ કલાકના અરસામાં બોરદેવી વિસ્તારમાં અમદાવાદના સાણંદ નજીકના છેલાગામના દશરથભાઈ ભગુજી (ઉ.વ.પપ) ને હૃદયરોગનો હુમલો આવતા તેનું મૃત્યું થવા પામ્યું છે. પોલીસે આ બનાવમાં ધોરણસરની કાર્યવાહિ કરી મૃતદેહને પી.એમ. માટે મોકલ્યો હતો.

* પરિક્રમા કરવામાં ૭ર હજાર ભાવિકોએ લાકડીનો સહારો લીધો

ગીરનારના ૩૬ કિ.મી.ના જંગલમાંથી પસાર થતા વિકટ પરિક્રમા માર્ગને પસાર કરવા માટે આ વર્ષે ઉમટી પડેલા લાખ્ખો ભાવિકોમાંથી ૭ર હજાર જેટલા ભાવિકોએ લાકડીનો સહારો લીધો હતો. ખાસ કરીને મોટી ઉમરના લાકડીઓનો ઉપયોગ કરી પરિક્રમા માર્ગ પરની ચાર વિકટ ઘોડીઓ પસાર કરી હતી. આ ટેકરીઓ તથા ૩૬ કિ.મી.નો પરિક્રમા માર્ગ યાત્રિકો સરળતાથી પસાર કરી શકે તે માટે વન વિભાગ દ્વારા ચાલવામાં ટેકો રાખવા મફત લાકડીઓનું વિતરણ કરવામાં આવે છે. પરિક્રમાની શરૃઆતમાં રૃપાયતન અને જીણાબાવાની મઢી ખાતેથી યાત્રિકોને લાકડીઓ અપાય છે. જે પરિક્રમા પૂર્ણ થાય ત્યારે બોરદેવી નાકા ખાતે પરત આપી દેવાની હોય છે. પરિક્રમા માર્ગ પરની ૪ અતિ વિકટ ઘોડી (ટેકરી)ઓ પસાર કરવામાં વન વિભાગે આપેલી લાકડીઓ ખૂબ ઉપયોગી રહી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=26137

No comments: