Sunday, November 2, 2008

સિંહણ અને એક બચ્ચું પકડાયાં બે ‘ટાબરિયાં’ હજુ પણ ફરાર.

Bhaskar News, Rajkot
Saturday, November 01, 2008 23:57 [IST]

ગીરના જંગલમાંથી ગોંડલના પાદરે અને ત્યારબાદ ત્યાંથી વંથલી તરફ પ્રયાણ કરી ગયેલી એક સિંહણ અને તેના ત્રણ બચ્ચાંને પાંજરે પૂરવા માટે વનખાતાએ કરેલા રાતઉજાગરા અને ૨૪ કલાકની મહેનતનું અંતે ફળ મળ્યુંછે.

શુક્રવારની મોડીરાત્રે સિંહણ અને એના એક બચ્ચાંને પાંજરે પૂરવામાં તંત્રને સફળતા મળી છે. આ પરિવારના બે બચ્ચાં હજુ ‘ફરાર’ છે. પણ, સિંહની પ્રકત્તિ જાણતા વનખાતાના તજજ્ઞો આ બન્નો બચ્ચાં પણ શનિવારથી રાત સુધીમાં પાંજરે પૂરાઈ જશે એવો આશાવાદ સેવી રહ્યા છે.

ગત તા.૨૩-૧૦ના રોજ ગીરના જંગલમાંથી ગોંડલ પાસેના ગામડાંમાં એક સિંહણ અને એના ત્રણ બચ્ચાંએ ધામા નાખતાં સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. ગીરનું જંગલ છોડીને આટલે દૂર સાવજો આવ્યા હોય એવા આ પ્રથમ બનાવને કારણે વનખાતું પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું હતું અને આ સાવજ પરિવારને પકડવા માટે ધારી, જૂનાગઢ અને સાસણના ૬૦ જેટલા અધિકારીઓની ફોજ ધંધે લાગી હતી.

બીજી તરફ સાવજોએ જામકંડોરણા થઈને વંથલીથી આઠ કિ.મી. દૂર આવેલા ૩૬૦ હેકટર વિસ્તારમાં પથરાયેલી વીડીમાં ધામા નાખતા તંત્રે પણ ત્યાં પડાવ નાખ્યો હતો. આ ભાગેડું સાવજોને પકડવાનું ઓપરેશન તા.૨૪થી શરૂ થયું હતું. દિવાળીના તહેવારોમાં પણ વનખાતાના કર્મચારીઓએ આ કપરી ફરજ બજાવી હતી. પણ, ચતુર સિંહણ કે એના બચ્ચાં હાથમાં નહોતા આવતાં.

દરમિયાનમાં આ વીડીમાં મૂકવામાં આવેલા મારણ સહિતના સાત પાંજરા પૈકીના એકમાં શુક્રવારની ભાંગતી રાત્રે સિંહણ અને તેનું એક બચ્ચું પકડાઈ ગયા હતા. આર.એફ.ઓ. માદડિયાના જણાવ્યા મુજબ સફળતાનો આ પ્રથમ તબક્કો પાર પડયો છે. સિંહણ પકડાયા બાદ હજુ બહાર રહેલા એના બે બચ્ચાં તેની માતાને ‘મળવા’ માટે પાંજરા સુધી આવી ગયા હતા. વનખાતાને હવે પાકો ભરોસો છે કે એ બન્નો બચ્ચાં તેની માતા વગર રહી નહીં શકે અને જનેતાને મળવાના પ્રયાસમાં એ બન્નો બચ્ચાં પણ પકડાઈ જશે.

વંથલીમાં વનખાતાનું રસોડું

વનખાતાના નાના-મોટા સાંઈઠ જેટલા કર્મચારીઓ વંથલીની વિશાળ વીડી ઉપર ચાંપતી નજર રાખીને ૨૪ કલાક અવિરત ફરજ બજાવી રહ્યા છે. આટલા બધા માણસો માટે ભોજન તથા ચા-પાણીની વ્યવસ્થા કરવી એ પણ કાંઈ આસાન કામ નહોતું. અંતે તંત્ર દ્વારા વીડીમાં રસોડું જ શરૂ કરી દેવામાં આવ્યું છે. જંગલમાંથી ભાગેલા કોઈ સાવજને પકડવા માટે અત્યાર સુધીમાં થયું હોય એવું આ મોટામાં મોટું ઓપરેશન છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/01/0811012358_lioness_cubs.html

No comments: