Tuesday, November 4, 2008

ગોંડલ પંથકમાં ફફડાટ ફેલાવનાર સિંહણ પરિવાર આખરે પાંજરે પુરાયો

ગોંડલ,તા.ર
તાલુકાના બેરાવડ નજીક આવેલ ખડવંથલીની ફોરેસ્ટ ખાતાની રિઝર્વ વીડીમાં છેલ્લા સાત દિવસથી સિંહણ પરિવારને ઝડપી લેવા ચાલી રહેલા ઓપરેશનનો સુખાંત આવ્યો હતો. એક સિંહણ તથા ત્રણ બચ્ચા સહિતનો પરિવાર પાંજરે પુરાતા તેને રાત્રે જ જૂનાગઢ ઝૂમાં રવાના કરાયો હતો. માંડણકુંડલાથી લઈ ખડવંથલી વીડી સુધીની દશ દિવસની સફર દરમિયાન પાંચ મારણ સાથે ગોંડલ પંથકમા ફફડાટ ફેલાવનાર સિંહણ પરિવારને ઝડપી લેવા ફોરેસ્ટ ખાતાની રિઝર્વ વીડીમાં જૂનાગઢ વિભાગના વનસંરક્ષક પાઠકના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત દિવસથી જંગલખાતાનું સૌથી મોટુ અને લાંબુ ઓપેરશન હાથ ધરાયું હતું. સાત-સાત દિવસની એકધારી કવાયત બાદ ગતરાત્રે સંપૂર્ણ પરિવાર પાંજરે પુરાયો હતો છ ફૂટ ઉંચા અને જંગલી ઝાડ તથા ઘાસથી ઢકાયેલા મોટા પિંજરામાં પ્રથમ એક બચ્ચુ અને સિંહણ ઝડપાયા બાદ ગતરાત્રે સાડા અગીયારે બીજુ બચ્ચુ અને રાત્રે દોઢ કલાકે ત્રીજુ બચ્ચુ પાંજરામાં પ્રવેશતા પાંજરૃ લોક કરી તમામને ઝડપી લેવાયા હતા. ત્રણ બચ્ચામા દોઢ વર્ષથી ઉપરના બે નર તથા એક માદાનો સમાવેશ થાય છે જે નજરે જોતા મોટા સિંહ-સિંહણ ગોંડલ પંથકમાં ફફડાટ ફેલાવનાર

લાગે આમ સિંહણ પરિવાર પાંજરે પુરાતા રાત્રે જ જૂનાગઢ ઝૂમાં ખસેડાયો હતો. ગોંડલ પંથકમા સિંહણ પરિવારને ઝડપી લેવા ફોરેસ્ટ વિભાગના ધાડા ઉતરાયા હતા જેમાં ધારીના નાયબ વનસરંક્ષક રાજા, રાજકોટના પરમાર, ધારી ડીવીઝનના ત્રણ આર.એફ.ઓ. ઉપરાંત ગોંડલના આર.એફ.ઓ. વી.કે. માદળીયા, સાસણગીર, ધારીની રેસ્કયુ ટીમ સહિત અંદાજે સાઈઠ કર્મચારીઓના કાફલાએ દિવાળીના તહેવારોમાં પણ વીડીમા ઘેરો ઘાલી સાત દિવસ ઓપરેશન ચલાવ્યું હતુ. સિંહણ પરિવારે ગોંડલ પંથકમાં પરોણાગત કરતા ખેડૂતો અને માલધારીઓમા ફફડાટ ફેલાયો હતો. પરંતુ સિંહણ પરિવાર આખરે પાંજરે પુરાતા પંથકમાં હાશકારો થવા પામ્યો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24000

No comments: