Saturday, November 1, 2008

ગીરપંથકમાં સિંહદર્શન કરવા માટે સહેલાણીઓનો ભારે ઘસારો

Bhaskar News, Talala(Gir)
Friday, October 31, 2008 22:57 [IST]

ગીરપંથકના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોને જોવા દિવાળીના મિનિ વેકેશનમાં સાસણ (ગીર) ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષની માફક ઊમટી પડયા હતા. સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટા શહેરો સહિત બહારના રાજયોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાત માટે આવતા સાસણ (ગીર)ની તમામ હોટેલો, રિસોર્ટ અને ગેસ્ટહાઉસો હાઉસફૂલ થઈ ગયા હતા જેથી સ્થાનિક લોકોને ધંધામાં સારો તડાકો પડયો હતો.

ગીર જંગલના હાર્દસમા સાસણ (ગીર) ખાતે પહોંચી ગીર અભ્યારણ્યની મુલાકાત કરી સિંહ સહિતના વન્યપ્રાણીઓને જોવાનો લહાવો લેવા ઊમટી પડેલાં પ્રવાસીઓના ભારે ઘસારાથી વનવિભાગ પણ ઘાંઘુ બની ગયું હતું. દરરોજ નેવું ગાડીઓને જંગલમાં જવાની અપાતી પરમિટના બુકિંગો આગલા દિવસોથી બૂક થઈ ગયેલા હોટેલો, ગેસ્ટહાઉસો, રિસોર્ટમાં ઊચા ભાડાં ચૂકવી લોકો રૂમ મેળવતા હતા છતાં દરેક પ્રવાસીઓને હોટેલોમાં જગ્યા મળતી નહોતી.

જેનો લાભ સાસણના સ્થાનિક રહીશો કે જેમની પાસે પોતાના મકાનોમાં વધારાના રૂમો છે તે લોકો પ્રવાસીઓને ઊચા ભાડાથી રૂમો ભાડે આપતા હતા. ગીર જંગલની મુલાકાતે આવેલા પ્રવાસીઓમાંથી મોટાભાગના લોકોને સિંહદર્શન કરવાની ઈરછા પૂરી થતી નહોતી.

કેમ કે, જંગલમાં લોકોના ભારે ઘસારાથી સિંહો ખલેલ ન પડે તેવા ગીચ વિસ્તારમાં જંગલભાગમાં નીકળી ગયા હતા તેમ સ્થાનિક ગાઈડોએ જણઆવ્યું હતું. ઉચા ભાડા ચૂકવી વાહનો ભાડે કરી વનવિભાગની પરમિટોની ફી ચુકવી જંગલની મુલાકાત કરતા પ્રવાસીઓને સિંહદર્શન ન થતાં વનવિભાગના આયોજનો સામ અણગમો વ્યકત કરતા હતા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ગીર અભયારણ્યની દૂર દૂરથી મુલાકાતે આવતા લોકો સિંહદર્શન કરી શકે તે માટે અભયારણ્યના રૂટોમાં સિંહ જોવા મળે તેવા લોકોશનો ગોઠવવા જોઈએ તેવી લાગણી વ્યકત કરતા હતા. ખાસ તો સ્કૂલો, કોલેજોના છાત્રોની ટુરને સિંહો જોવા ન મળતાં ભારે નિરાશ થયા હતા.

Source: http://www.divyabhaskar.co.in/2008/10/31/0810312300_tourists_rush.html

No comments: