Sunday, November 2, 2008

જૂનાગઢના પ્રવાસન સ્થળો ખાતે હજ્જારો પ્રવાસીઓ ઉમટી પડયા

જૂનાગઢ,તા.૩૧
દિવાળીના તહેવારોમાં શાળા અને ઓફીસોમાં પડતા મીની વેકેશનોને લીધે પ્રજાજનોનો એક વર્ગ તહેવારોમાં ફરવા માટે નિકળી પડતો હોય છે. આ વખતે જૂનાગઢના પ્રવાસન સ્થળો ખાતે હજ્જારો પ્રવાસીઓ તહેવારોના પાંચ દિવસ દરમ્યાન ઉમટી પડયા હતા. ખાસ કરીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ઉપરકોટ, દરબાર હોલ મ્યુઝીયમ વગેરે સ્થળોએ બહારના પ્રવાસીઓની સારી એવી ભીડ રહી હતી. તહેવારોના પાંચ દિવસ દરમ્યાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આશરે ૩૦ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા. સવારથી મોડી સાંજ સુધી પ્રવાસીઓની આવક શરૃ જ રહેતી હતી. ઝૂ ના નિયામક વી. જે. રાણાના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

ગરવા ગીરનાર ખાતે તહેવારો દરમ્યાન શાંત વાતાવરણ રહ્યા બાદ ગઈ કાલ બીજ થી યાત્રીકોનો પ્રવાહ શરૃ થયો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીના જણાવ્યા મુજબ ગઈ કાલે ર૦ હજારથી વધુ પ્રવાસીઓ ગીરનાર પર આવ્યા હતા. જો કે શિયાળા દરમ્યાન હવેથી કાયમી ગીરનાર પર યાત્રીકોની ભીડ રહેશે.

જૂનાગઢના નવાબી કાળની ઝાંખી કરાવતા દરબાર હોલ મ્યુઝીયમ ખાતે સંગ્રહાયેલ પ્રાચિન વારસાને નિહાળવા પણ સારા એવા પ્રવાસીઓ ઉમટી પડયા હતા. પ્રાચિન ધરોહર સચવાયેલી છે એવા ઉપરકોટના કિલ્લાની મુલાકાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. તેમજ જૂનાગઢ જાણીતા તમામ સ્થળોએ સારી એવી ભીડ રહી હતી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=23678

No comments: