Tuesday, November 4, 2008

ગિરનાર પરિક્રમામાં લાઉડ સ્પિકરો વગાડવા પર સખત પ્રતિબંધ

જૂનાગઢ,તા.૨
જૂનાગઢના ગરવા ગીરનારની પરંપરાગત યોજાનાર પરિક્રમાની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી રહી છે ત્યારે જંગલમાં મોટા અવાજે લાઉડ સ્પીકરો કે તેવી અન્ય વસ્તુઓ વગાડવા પર વન વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ રૃટ આસપાસ યાત્રિકોને અડચણ રૃપ થાય તેવા સ્ટોલ તંબુ ઉભા કરાશે તો જે તે વિસ્તારમા વન કર્મચારીની જવાબદારી ફીક્ષ કરવાની કડક સુચના ડી.સી.એફ. દ્વારા આપવામાં આવી છે.

ગીરનાર પરિક્રમા દરમ્યાન વન વિભાગે રાખવાની થતી તકેદારી બાબતે ડી.સી.એફ. અનિતા કર્ણએ આપેલી સુચનાઓ અનુસાર જંગલમાં લાઉડ સ્પીકરો વગેરે વધારે ઘોંઘાટ વાળા અવાજો ન થાય તે માટે ખાસ તકેદારી વન સ્ટાફે લેવાની રહેશે.

ઉપરાંત પરિક્રમા દરમ્યાન પરવાનગી વગરના વાહનો જંગલમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાની સાથે, યોગ્ય મર્યાદામાં જ પરવાનગીઓ આપવા પણ અધિકારીઓને આદેશ કરાયો છે. ઉપરાંત ગીરનાર પરિક્રમા માર્ગ પર પરિક્રમાર્થીઓને ચાલવામાં અડચણ થાય તે રીતે તંબુ કે સ્ટોલ કોઈ સંસ્થાઓ દ્વારા ઉભા ન કરાય તેની ખાસ તકેદારી રાખવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. અને જો આ દિશામાં આવ્યવસ્થા સર્જાશે તો જે તે વિસ્તારના જવાબદાર વન કર્મચારીઓની જવાબદારી ફીક્ષ કરી શિક્ષાત્મક પગલા લેવાની ચિમકી સાથે જરૃરી તમામ વ્યવસ્થા જાળવવા આદેશ કરાયો છે.

બીજી તરફ ડુંગર ઉતર રેન્જ આર.એફ.ઓ. એસ. કે. જાડેજા, દક્ષિણ રેન્જ આર.એફ.ઓ. એમ. એન. પરમાર, વિજય યોગાનંદી, ભીમભાઈ સુંડાવદરા, ફોરેસ્ટરો દોમડીયા, વગેરે દ્વારા પરિક્રમા રૃટની રિપેરીંગની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

પરિક્રમા દરમ્યાન વાયરલેસ સેટ્સ સાથે વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મળી ૧૦૦ જેટલો સ્ટાફ તૈનાત રહેશે. તાજેતરમાં જ રાજ્યની હોમ બ્રાન્ચના ડે.કમિશ્નર શ્રી પટેલ અને જિલ્લા પોલીસ વડા હરિકૃષ્ણ પટેલ વગેરેએ પણ મુલાકાત લીધી હતી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24013

No comments: