Wednesday, November 12, 2008

ગિરનાર જંગલમાંથી લાકડાં કટીંગ બદલ પાંચ અન્નક્ષેત્રોને દંડ ફટકારાયો

જૂનાગઢ,તા.૧૧
ગીરનારની ચાલી રહેલી પરિક્રમા દરમ્યાન શરૃઆતમાં ઈટવાની ઘોડીથી જીણાબાવાની મઢી સુધીના પરિક્રમા માર્ગ પર જંગલમાંથી લાકડા કટીંગ બદલ પાંચ અને પાણીમાં પ્રદુષણ ફેલાવવા બદલ એક અન્નક્ષેત્ર સામે વન વિભાગે કડક હાથ કામ લઈ અભ્યારણ્યને નુક્શાન કરવા પેટે દંડ ફટકાર્યો છે. આ વિશેની મળતી વિગતો અનુસાર પરિક્રમા દરમ્યાન ગીરનાર અભ્યારણ્યના જંગલને કોઈ પણ પ્રકારનું નુક્શાન ન થાય તે માટે વન વિભાગે અગાઉથી જ કડક સુચનાઓ આપી હતી. તેમા પણ અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓને ખાસ તાકીદ કરી જંગલના રક્ષણ માટેના તેમજ કચરાના નિકાલ અંગેના ઉપાયો પણ વનવિભાગે સુચવ્યા હતા.

આમ છતા જંગલમાંથી લાકડા કટીંગ કરવા બદલ સુરતના ખીજડાવાડા મામાદેવ અન્નક્ષેત્ર, વડીયાના હરભોલે મિત્ર મંડળ અન્નક્ષેત્ર, સુરતના ગુરૃસિદ્ધનાથ અન્નક્ષેત્ર, વડાલના આઈશ્રી ખોડીયાર પાણી સેવા મંડળ અને મોરબીના શાંતિવન આશ્રમ અન્નક્ષેત્રને એસીએફ બી. ટી. ચઢાસણીયા અને સ્ટાફે દંડ ફટકારી લાકડા કટીંગના હથિયારો કબ્જે કર્યા છે. તેમજ ખીજડાવાડા મામાદેવ અન્નક્ષેત્રને પાણીમાં પ્રદુષણ ફેલાવવા બદલ પણ દંડ ફટકારાયો છે. બીજી તરફ વન વિભાગ દ્વારા સુકી લાકડીનું વિતરણ કરાતુ હોવા છતા ગીરનાર જંગલમાંથી લીલાવાંસનું કટીંગ કરી લાકડીઓ તરીકે ઉપયોગ કરનાર યાત્રિકો પાસેથી સમગ્ર રૃટ પર વન વિભાગના સ્ટાફે લાકડીઓ કબ્જે કરી હતી. તથા યાત્રિકોને ફરી વખત આવુ ન કરવા તાકીદ કરી હતી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=26135

No comments: