Sunday, November 2, 2008

સિંહ પરિવાર વન વિભાગને હંફાવે છે: ૪ દિવસથી વંથલી વીડીમાં ધામા

Bhaskar News, Rajkot
Saturday, November 01, 2008 00:17 [IST]

ગીરના જંગલમાંથી ભાગી ૯ દી’ પહેલાં ગોંડલ પંથકમાં આંટો-ફેરો કરી ગયેલો

ગીરના જંગલમાંથી ત્રણ બચ્ચાં સાથે ભાગી છૂટેલી સિંહણ છેલ્લા ૪ દિવસથી વંથલીથી આઠ કિલોમીટર દૂર આવેલી ૩૬૦ હેકટરમાં પથરાયેલી રિઝર્વ વંથલી વીડીમાં છૂપાઇ છે. આ પરિવારને ઝડપી લેવા બે મોટા સહિત કુલ સાત પાંજરાં મૂકવામાં આવ્યા હોવાનું ડીએફઓ માદળિયાએ ‘‘દિવ્ય ભાસ્કર’’ને જણાવ્યું હતું.

૯-૯ દિવસથી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ધંધે લગાડનાર સિંહ પરિવાર શનિવારની સવાર સુધીમાં પાંજરે પૂરાય તેવી આશા જંગલ ખાતાના અધિકારીઓ સેવી રહ્યા છે.ગત તા.ર૩/૧૦ના રોજ ગોંડલ પાસેના ગામડાંમાં સિંહ પરિવારે ધામા નાખ્યા હોવાનું જાહેર થયા બાદ ધારી, સાસણ, જૂનાગઢ, સહિતના શહેરમાંથી વન વિભાગના ૪૦ થી પ૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ એક સિંહણ અને તેના ત્રણ બચ્ચાને પકડી લેવા તૈનાત થયો હતો. જો કે, ૯-૯ દિવસ થવા છતાં આ પરિવાર હાથમાં આવ્યો ન હતો.

ગોંડલના ડૈયા-અનિડા થઇ જામકંડોરણા આસપાસ એકાદ રાતવાસો કર્યા બાદ સિંહ પરિવાર વંથલીથી આઠ કિલોમીટર વંથલી વીડીમાં ધામા નાખીને બેઠો છે. ડીએફઓ માદળિયાએ જણાવ્યું હતું કે, ગત મંગળવારથી સિંહણ અને તેના ત્રણ બચ્ચાં વંથલી વીડીમાં જઇ ચડયા છે.

આ વીડીનું ક્ષેત્રફળ ૩૬૦ હેકટર છે અને આખી વીડીમાં છાતીસમાણું ખડ હોય સિંહ પરિવારને શોધવો મુશ્કેલ થઇ પડયો છે. આમ છતાં સિંહણના ગળામાં કોલર આઇડી હોવાના કારણે ૫૦૦ મીટરના વિસ્તારમાં જયાં આ પરિવાર છે તેની આસપાસમાં બે મોટા રિંગ પાંજરાં સહિત નાનાં મોટા સાત પાંજરાં મૂકવામાં આવ્યા છે.

અગાઉ એક સાથે ચારેયને એક મોટા પાંજરામાં પકડવાની યોજના હતી પરંતુ હવે અલગ-અલગ પાંજરામાં બચ્ચા અને સિંહણને જબ્બે કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. છેલ્લા નવ દિવસથી સતત આ સિંહ પરિવારની પાછળ પાછળ દોડતો વન વિભાગનો સ્ટાફ પણ થાકયો છે, ત્યારે શનિવાર સવાર સુધીમાં ઓપરેશન પાર પડે તેવી સૌને આશા છે.

રપ ટકા સ્ટાફ માંદો પડી ગયો

છેલ્લા નવ-નવ દિવસથી સિંહ પરિવારની પાછળ દોડતો વન વિભાગનો સ્ટાફ હાંફી ગયો છે. લગભગ ૧૦થી ૧ર જેટલા કર્મચારીઓ ર૪ કલાકની મહેનતના કારણે માંદા પડી ગયા છે. અમુક કર્મચારીઓ માત્ર બે જોડી કપડાં લઇને આ ઓપરેશનમાં જોડાયા હોય તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દીપાવલીના તહેવારોમાં પણ આ તમામ ૪૦ થી પ૦ કર્મચારીઓ દિવસ-રાત પોતાની ફરજમાં વ્યસ્ત રહ્યા હતા અને હજુ પણ જયાં સુધી સિંહ પરિવાર ન પકડાય ત્યાં સુધી કાર્યરત રહેશે.

સિંહ પરિવાર ત્રીજી વાર ભાગ્યો

ડીએફઓ માદળિયાએ જણાવ્યું હતું કે, આ સિંહ પરિવાર જંગલમાંથી ત્રીજીવાર અન્ય વિસ્તારમાં જઇ ચડયો છે આથી ખાસ કરીને સિંહણ વધુ પડતી ચપળ થઇ ગઇ છે. અન્યથા કોઇ પણ વન્ય પ્રાણી વધુમાં વધુ એકાદ-બે દિવસમાં પાંજરામાં અચૂક સપડાઇ જાય પરંતુ આ સિંહ પરિવાર ભાગી છૂટવામાં માહિર હોવાનું અને ત્યાર બાદ પાંજરાંમાં નહીં સપડાવામાં ચાલક હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/01/0811010017_lion_family.html

No comments: