Tuesday, November 4, 2008

ગિરનાર પરિક્રમામાં પ્રાકૃતિક વારસો જાળવવાની ખેવના રાખો

જૂનાગઢ,તા.ર
ગરવા ગીરનારની પરંપરાગત પરિક્રમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ પરિક્રમા દરમ્યાન પ્રાકૃતિક વારસો જળવાઈ રહે અને જંગલને નુક્શાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાની માંગણી સાથે યાત્રિકોને પણ જાગૃત થવા જૂનાગઢના પર્યાવરણ પ્રેમીઓએ અનુરોધ કર્યો છે.જૂનાગઢની રૈવતગિરિ નેચર ક્લબના પ્રમુખ ડી. આર. બાલધાએ આ વિશે જણાવ્યું છે. ગીરનારમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાની ર્ધાિમક માન્યતા અનુસાર આ સ્થળનું મહત્વ ખુબ જ વધી જાય છે. ઉપરાંત ગીરનાર જંગલ ઔષધિઓનો પણ ભંડાર છે. આવા ભવ્ય પ્રાકૃતિક વારસાને જાળવીને રાખવો એ દરેક નાગરિકની ફરજ છે. પરંતુ દર વર્ષે પરિક્રમા દરમ્યાન ગીરનાર પર્વતના જંગલોમાં મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવે છે. ટન મોઢે પ્લાસ્ટીક તેમજ શેમ્પુ-સાબુ વગેરે જેવી વસ્તુઓના ઉપયોગ દ્વારા બેફામ પ્રદુષણ ઠાલવાય છે. ત્યારે સાધુ-સંતોએ આ દિશામાં આગળ આવી પ્રદુષણ અટકાવવા ભાવિકોને સમજાવવા જોઈએ તેમજ વન વિભાગે પહેલા જાગૃતિ લાવવા યોગ્ય પગલા લઈ જરૃર પડયે કાયદાનું શસ્ત્ર ઉગામવું જોઈએ. સામા પક્ષે પ્રજાજનોએ પણ થોડી જાગૃતિ દાખવી પ્રકૃતિને થતું નુક્શાન અટકાવવું જોઈએ. સામા પક્ષે પ્રજાજનોએ પણ થોડી જાગૃતિ દાખવી પ્રકૃતિને થતુ નુક્શાન અટકાવવુ જોઈએ. વ્યક્તિગત હિતોને બાજુ પર મુકી તમામને જાહેર હિતમાં કાર્યરત થવા અંતમાં અનુરોધ કરાયો છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=24012

No comments: