Tuesday, April 24, 2018

ખાંભા: ઇન્ફાઇટથી 5 વર્ષના સિંહનું મોત, પીઠના ભાગે ઇજાના નિશાન

Hirendrasinh Rathod, Khanbha | Last Modified - Apr 16, 2018, 06:30 PM IST
તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં આવેલ અંધારી વીડી વિસ્તારમાં વહેલી સવારે વનવિભાગને સિંહનો મૃતદેહ મળ્યો
પ્રતિકાત્મક તસવીર
ખાંભા: ખાંભાના તુલસીશ્યામ રેન્જમાં વધુ એક સિંહનો આજે સોમવારે સવારે મૃતદેહ મળી આવતાની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ અને સ્ટાફ અહીં દોડી ગયો હતો અને સિંહના મૃતદેહને લઇ ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે. આ સિંહની ઉંમર 5 વર્ષ હોવાનું અને ઇન્ફાઇટમાં મોત થયાનું જાણવા મળ્યું છે.
મળતી વિગત પ્રમાણે તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં આવેલ અંધારી વિડી વિસ્તારમાં વહેલી સવારે વનવિભાગને સિંહનો મૃતદેહ પડ્યો હોવાની જાણકારી મળી હતી. જાણ થતાંની સાથે જ વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. વનવિભાગ દ્વારા આ સિંહના મૃતદેહને ખાંભા ખાતે આવેલ તુલસીશ્યામ રેન્જ કચેરી લાવવામાં આવ્યો હતો. ત્યાં વનવિભાગના વેનેટરી ડોક્ટરને પીએમ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે સિંહનું મોત અંદાજે 10 કલાક પહેલા થયું હોવાનું વનવિભાગના પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. જ્યારે આ સિંહની ઉંમર 5 વર્ષ આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સિંહના પીઠના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. આ સિંહ અને અન્ય વન્યપ્રાણી વચ્ચે ઇન્ફાઈટ થઈ હોવાનું પણ વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જ્યારે સિંહના મોત અંગે નું સાચું કારણ પીએમ બાદ સામે આવશે ત્યારે બીજી તરફ તુલસીશ્યામના રેન્જમાં હજુ વીસેક દિવસ પેહલા પણ એક સિંહનું સર્પદંશના કારણે મોત નીપજ્યું હતું.
તુલસીશ્યામ રેન્જના આરએફઓ પટેલે જણાવ્યું હતું કે, પીપળવા રાઉન્ડના અંધારી વીડી વિસ્તારમાં 5 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહનું મોત ઇન્ફાઈટમાં થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમજ સિંહના પીઠના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-death-in-infight-near-khanbha-and-forest-department-run-on-spot-gujarati-news-5853051-PHO.html?seq=2

No comments: