Friday, April 27, 2018

મનપાની બગીચા શાખા પાસે કયા વૃક્ષની કિંમત કેટલી છે તેની કોઇ માહિતી જ નથી

DivyaBhaskar News Network | Last Modified - Apr 17, 2018, 05:40 AM IST
હજુ કિંમતની વિગત મેળવતા 3 દિવસ લાગશે તેવા કરતા ગલ્લાતલ્લા
જૂનાગઢ મહાનગરપાલિકામાં આચરાયેલા ગ્રીન કૌભાંડમાં દરરોજ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે જે તંત્રની પોલ ખોલી રહી છે.

શહેરના અનેક રસ્તાના ડિવાઇડર પર વૃક્ષોના વાવેતરના અવશેષ પણ જોવા મળતા નથી. કેટલાક સ્થળે વૃક્ષો સૂકાઇ ગયા છે. મોટાભાગના સ્થળોએ એવા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે કે જેના નામ પણ સામાન્ય લોકોની સમજમાં ન આવે તેવા છે. જોકે તેમ છતાં આમાં કૌભાંડ થયું હોવાનું લોકોની સમજમાં આસાનીથી આવી ગયું છે.

આવું થતા આ કૌભાંડ સર્જનારા અધિકારીઓના પગ નીચેથી ધરતી સરકી રહી છે. હવે આ કૌભાંડમાં ઢાંક પીછેડો કેમ કરવો તેની વેતરણમાં જવાબદાર અધિકારીઓ દિવસ રાત એક કરી રહ્યા છે.જોકે તેમ છતાં પણ મેળ પડતો નથી અને રાત થોડીને વેશ ઝાઝા જેવી હાલત થઇ પડતા હવે અવનવા બહાના બતાવાઇ રહ્યા છે. ગ્રીન કૌભાંડમાં કેટલાક વૃક્ષો એવા વાવી દેવાયા છે કે જેની કિંમત કંઇજ નથી. આવા વૃક્ષો તો નર્સરીમાં મફત મળે છે.

આવા વૃક્ષોના નામે પણ નાણાં કટકટાવી લીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આ વૃક્ષો પૈકી કયા વૃક્ષોની કિંમત કેટલી છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવતા જવાબદાર અધિકારી ગેં ગેં ફે ફે થઇ ગયા હતા. વૃક્ષની કિંમતની પોતાને પણ ખબર ન હોવાનું જણાવી આ માટે બે ત્રણ દિવસ બાદ કિંમત જાણીને કહેશે તેવા બહાના પણ બતાવવામાં આવી રહ્યા છે.

શું કહે છે મેયર ?
ગ્રીન કૌભાંડ મામલે અગાઉ મેયર આદ્યાશકિતબેન મજમુદારનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ મામલે તપાસ કરવાની ખાત્રી આપી હતી. જોકે આ મામલે તપાસ કયાં સુધી પહોંચી છે ? તેવું પૂછતા મેયરે જણાવ્યું હતું કે શનિ અને રવિની રજા હતી. સોમવારે હું બહાર હતી. મંગળવારથી આ મામલે તપાસ હાથ ધરીશ.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-054003-1489649-NOR.html

No comments: