Tuesday, April 24, 2018

ગેરકાયદેસર સિંહ દર્શન, પશુને વૃક્ષ સાથે બાંધી મારણ કરાવાયું

16 માર્ચે યોજાયેલી મિટીંગમાં પોલીસ અને વન વિભાગનાં અધિકારીઓએ ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા મોટી વાતો કરી હતી
જૂનાગઢ: જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનની અનેક ઘટનાઓ બની રહી છે પરંતુ વન વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. તેમજ જૂનાગઢમાં ગિરનાર જંગલ વિસ્તારમાં પશુને વૃક્ષ સાથે બાંધી ગેરકાયદેસર સિંહ દર્શન થતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા માટે વન વિભાગની 16 માર્ચની મિટીંગ મળી હતી. જેમાં મોટી-મોટી વાતો કરવામાં આવી હતી ત્યારે વધુ એક વિડીયો વાયરલ થતાં ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાઓએ તંત્રનું નાક કાપી લીધું છે.

વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહનાં મોત થયા છે. એટલું જ નહીં આ મુદ્ો છેક કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે પણ સરકારને નોટીસ ફટકારી છે. બીજી તરફ જૂનાગઢ પોલીસ અને વન વિભાગની સંયુકત મિટીંગ 16 માર્ચનાં મળી હતી. જેમાં ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા માટે પોલીસ અને વન વિભાગ સંયુકત કામગીરી કરશે. તેવી વાતો કરવામાં આવી હતી.
આ મિટીંગનાં 15 દિવસમાં જ ગેરકાયદેસર સિંહ દર્શનનો વિડીયો વાયરલ થયો છે. જૂનાગઢ, સાસણ, અમરેલી જેવા સિંહનાં રહેણાંક વિસ્તારમાં બેફામ રીતે ગેરકાયદેસર સિંહ દર્શન થાય છે. તેમજ અવાર-નવાર તેના વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે. પરંતુ વન વિભાગનાં પેટનું પાણી હલતુ નથી. જૂનાગઢનાં ગિરનાર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન થયાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક પશુને વૃક્ષ સાથે બાંધવામાં આવ્યું છે અને પાછળથી ત્રણ સિંહણ આવી તેનો શિકાર કરે છે. આ પ્રકારનો વિડીયો જૂનાગઢમાં વાયરલ થયો છે.
વન વિભાગની મિલીભગત ?

જંગલનાં નાકા ઉપર વન વિભાગનાં કર્મચારીઓ તૈનાત હોય છે. સામાન્ય લોકોને અહીં પ્રવેશ કરવો હોય તો પરસેવો વળી જાય છે. પરંતુ આ વાયરલ વિડીયોમાં એક પશુને વૃક્ષ સાથે બાંધવામાં આવ્યું છે. હવે સવાલ એ થાય છેકે આ પશુ અહીં પહોંચ્યુ કઇ રીતે ? અહીં સુધી આ પશુ પહોંચી ગયું હો એક પણ નાકા ઉપર વનકર્મચારીઓને નજર નહીં પડી હોય ? કે પછી આ ઘટનામાં કયાંયને કયાંય વન વિભાગની પણ મીઠી નજર છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-VART-illegal-lion-darshan-animals-were-tied-with-tree-and-killed-gujarati-news-5842639-PHO.html?seq=2

No comments: