Tuesday, April 24, 2018

તૈયાર ભોજન મળતા આંબરડી સફારી પાર્કનાં સિંહો શિકાર કરવાનું શીખ્યા જ નથી

Dilip Raval, Amreli | Last Modified - Apr 16, 2018, 02:50 AM IST
તૈયાર માંસ ખાવાના આદી આંબરડી પાર્કના ત્રણ સાવજ સસલું મારવાની હિંમત પણ નથી કરતા : નવા આવનારા પાંચ સાવજો પણ આવા જ હશે

તૈયાર ભોજન મળતા આંબરડી સફારી પાર્કનાં સિંહો શિકાર કરવાનું શીખ્યા જ નથી
તૈયાર ભોજન મળતા આંબરડી સફારી પાર્કનાં સિંહો શિકાર કરવાનું શીખ્યા જ નથી
અમરેલી: ખૂંખાર પ્રાણી સાવજ એટલે જંગલનો રાજા. ભલભલાના હાંજા ગગડાવી દે. સાક્ષાત કાળનું નામ એટલે ગીરનો ડાલામથ્થો. ગીરના એક એક પ્રાણી તેનાથી થર થર કાંપી ઉઠે, તેના આડે ઉતરવાની તો કોઈ પ્રાણી હિંમત ન કરે. પણ અહીંના ત્રણ સાવજો જાણે ગરીબ ગાય જેવા છે. નજર સામે હરણ અને નીલગાયનું ટોળું હોય તો પણ આ સાવજો મારણ કરતા નથી. બલ્કે સસલુ મારવાની પણ હિંમત કરતા નથી. તેમને તો બસ તૈયાર ભાણે ખાવાની આદત પડી ગઈ છે.
બેઠા-બેઠા તૈયાર ખોરાક મળે તો પછી શિકારની મહેનત શા માટે કરવી ?. આ સાવજો છે ધારીનાં આંબરડી પાર્કના. 350 હેક્ટરમાં ફેલાયેલા આંબરડી પાર્કમાં હાલમાં વનતંત્ર દ્વારા સિંહ દર્શન માટે ત્રણ સાવજો રાખવામાં આવ્યા છે. જેમાં બે સિંહણ અને એક સિંહ છે. સાસણના દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે છએક માસ પહેલા આ બીજો પાર્ક ખુલ્લો મુકાયો છે. અહીં દૂર દેશાવરથી સાવજોને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેઓ મનમાં જે સાવજોની કલ્પના લઈને અહીં આવે છે તેવા આ ખૂંખાર સાવજો નથી. તેનો મતલબ એવો નથી કે આ સાવજનો સામનો થઇ જાય તો તેઓ કશું કરતા નથી. પરંતુ શિકાર કરીને ખોરાક મેળવવાની બાબતમાં તે ગરીબ ગાય જેવા છે.

પાર્કમાં 375 ચિંકારા છે આ ઉપરાંત 125 જેટલા ચિતલ પણ છે અને 40 નીલગાય સહિત અન્ય વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ સાવજો તેનો ક્યારેય શિકાર કરતા નથી, કારણ કે તેમના માટે ઝુમાંથી તૈયાર ખોરાક આવે છે. તેમને નાનપણથી જ તૈયાર ખોરાકની આદત છે. જેને પગલે તેમણે શિકારની આદત કેળવી નથી. આ સાવજોને વનતંત્ર દ્વારા જ રોજેરોજ માંસ પૂરું પાડવામાં આવે છે. સામે ગમે તેટલા પ્રાણી હોય તો પણ તેનો શિકાર કરતા નથી.અહીં વસતા ત્રણ સાવજો તો સસલુ મારવાની પણ હિંમત કરતા નથી.
વાત આટલેથી અટકતી નથી, અહીં હવે નવા 5 સાવજો વસાવવાની તૈયારી થઈ રહી છે. પરંતુ આ નવા આવનારા પાંચ સાવજો પણ ઝૂમાંથી લાવવામાં આવશે અને તે સાવજોને પણ શિકારની કોઈ આદત નથી.. મતલબ કે તેને પણ તૈયાર માંસ આપવું પડશે. જંગલમાં વસતા વન્ય પ્રાણીઓની સરખામણીમાં કદાચ આંબરડી પાર્કમાં વસતા વન્ય પ્રાણીઓ વધુ નસીબદાર છે.

No comments: