Saturday, August 31, 2019

જીવાપરમાં 10 ફુટ દિવાલ કુદી દિપડો ઘરમાં ઘુસ્યો, પરિવાર જાગી જતા ધાબા પરથી કુદીને નાસી ગયો

  • ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સિંહ, દિપડાઓની રંજાડ: 15 દિવસમાં માનવ પર હુમલાના 6 બનાવ 

Divyabhaskar.com

Aug 12, 2019, 11:09 AM IST
ખાંભા: ખાંભા તાલુકાના ગીરકાંઠાના ગામોમા અવારનવાર સિંહ-દિપડા ગામમા ઘૂસી આવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અહીંના જીવાપર ગામે ગતરાત્રીના એક દિપડો 10 ફૂટની દિવાલ કૂદી ઘરમા ઘૂસ્યો હતો. જો કે ઘરના સભ્યો જાગી જતા દીપડો ધાબા પરથી કુદીને નાસી ગયો હતો. દિપડો દિવાલ કૂદી ઘરમા ઘૂસ્યાની આ ઘટના ખાંભા તાલુકાના જીવાપર ગામે બની હતી. અહીં રહેતા રામભાઇ અરજણભાઇ હિરપરા નામના ખેડૂતના ઘરમા ગતરાત્રીના બે વાગ્યા આસપાસ એક દિપડો 10 ફૂટની દિવાલ કૂદીને ઘરમાં ઘૂસી ગયો હતો. જો કે અવાજ થતા ઘરના સભ્યો જાગી ગયા હતા અને જોયું તો દિપડો ફળીયામા ઉભો હતો. બાદમા હાકલા પડકારા કરતા દિપડો પગથીયા પરથી ધાબે ચડી કૂદકો મારી નાસી ગયો હતો.
ઘરના ફરજામાં બાંધેલા પશુઓને કોઇ ઇજા પહોંચાડી નહીં
ઘરના ફરજામાં ગાય, ભેંસ અને બળદ પણ બાંધેલા હતા. જો કે ઘરના સભ્યો જાગી જતા આ પશુને કોઇ ઇજા પહોંચી ન હતી. ઘટના અંગે બાદમાં વનવિભાગને જાણ કરવામાં આવતા ટ્રેકર સાહિદખાન પઠાણ સ્ટાફ સાથે દોડી ગયા હતા. ત્યારે દિપડાની માનવ વસાહત તરફ આ 15 દિવસમાં 5મો હુમલો છે. ત્યારે વનવિભાગ આ માનવ વસાહત તરફ આવતા દિપડાને અટકાવવા શું પગલાં કે આગોતરું આયોજન છે ? તેવા સવાલ રહીશો અને ખેડૂતો પૂછી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એક તરફ ખેતીની પણ સિઝન ચાલી રહી છે. ત્યારે અવારનવાર સિંહ, દિપડો છેક ગામ સુધી શિકારની શોધમા ચડી આવે છે જેના કારણે ખેડૂતો અને લોકોમા પણ ભય જોવા મળી રહ્યો છે.

15 દિવસમાં દિપડાના હુમલાની ચાર ઘટના
1. તા.27ના રોજ ખાંભાના પીપળવા ગામે ખેત મજૂર પર હુમલો
2. તા. 1ના રોજ ધુંધવાણા ગામે ખેત મજૂર પર હુમલો
3. તા. 1ના રોજ મોટા સરકડીયા ગામે ઘરમાં ઘૂસી મહિલા ઉપર હુમલો
4. તા. 10ના રોજ કતારપરા ગામે ખેત મજૂરની એક બાળકી ઉપર હુમલો
ખેડૂતો વાડી ખેતરોમાં જતાં ડરે છે
હાલ ખેતીની સિઝન ચાલી રહી હોય ગીરકાંઠાના વિસ્તારોમા વાડી ખેતરોમા અવારનવાર સિંહ દિપડા આંટાફેરા મારી રહ્યાં છે. જેના કારણે ખેડૂતો પણ વાડી ખેતરોમા જતા ભય અનુભવી રહ્યાં છે.
(તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-jump-10-feet-wall-and-enter-home-in-jivapar-village-of-khanbha-1565588304.html

No comments: