Saturday, August 31, 2019

પાંજરામાં જતાં પહેલાં સિંહનો ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો, સીધું ગળું જ પકડ્યું

  • આંબરડી સફારી પાર્કની ઘટના, છેલ્લા ચાર દિવસથી પ્રવાસીઓની ભારે ભીડ
  • વનકર્મીઓએ હાકલા પડકારા કરી સાવજને ભગાડી ગાર્ડનો જીવ બચાવ્યો સંજયભાઇને 108 મારફત સારવારમાં ખસેડ્યા, અમરેલી રીફર કરાયા

Divyabhaskar.com

Aug 27, 2019, 02:52 AM IST
ધારી,અમરેલીઃ આંબરડી સફારી પાર્કમા સાંજે સાડા પાંચ વાગ્યે સિંહ દર્શન પુર્ણ કરવામા આવ્યા હતા. દિવસભર પ્રવાસીઓની ભીડ રહી હતી. સિંહ દર્શન પુર્ણ થયા બાદ વનવિભાગનો સ્ટાફ તેના દરરોજના ક્રમ મુજબ પાર્કના પાંચેય સાવજોને પાંજરે પુરવાના કામે લાગ્યો હતો. રોજ બંધ બોડીની ફોરવ્હીલમા જઇ સ્ટાફ સાવજોને પાંજરા તરફ દોરી જાય છે. આજે પણ તેવુ જ કરાયુ હતુ. સંજયભાઇ પી. તેરૈયા નામના ફોરેસ્ટગાર્ડ મોટર સાયકલ લઇ આ કામગીરીમા જોડાયા હતા.
સિંહે સીધું ગળું જ પકડી લીધું
જાણવા મળતી વિગત મુજબ સંજયભાઇ તમામ સાવજો પાંજરામા જઇ ચુકયા છે તેવુ સમજવાની ભુલ કરી બેઠા હતા. તેઓ બાઇક લઇ પાંજરા નજીક પહોંચ્યા ત્યારે એક સિંહ પાંજરામા આવવાનો બાકી હતો અને પાછળની દિશામાથી આવી સિધુ જ તેમનુ ગળુ પકડી લીધુ હતુ. જેને પગલે તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. જો કે અન્ય કર્મચારીઓ કારમા બાજુમા જ હોય તમામ કર્મચારીઓએ સાવજ તરફ કાર દોડાવી હાકલા પડકારા કરી કારનુ હોર્ન વગાડી સાવજને ભગાડી મુકયો હતો. ઘવાયેલા ગાર્ડ સંજયભાઇ તેરૈયાને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ધારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમા રિફર કરાયા હતા.
આંબરડી પાર્કમાં હુમલાની પ્રથમ ઘટના
બે વર્ષ પહેલા તારીખ 10-10-2017ના રોજ આંબરડી પાર્કનો આરંભ થયો હતો. ત્યારથી અત્યાર સુધીમા અહી સાવજના હુમલાની ઘટના પ્રથમ વખત બની છે. અહી સાવજો માટે જુનાગઢથી મીટ આવે છે. સિંહને 7 કિલો અને સિંહણને 5 કિલો માંસ દરરોજ અપાય છે.
ગાર્ડ સાવજોને ઓબ્ઝર્વ કરવા ગયા હતા
આ પાર્કના આરએફઓ ઓડેદરાએ જણાવ્યું હતુ કે ફોરેસ્ટગાર્ડ સંજયભાઇ તેમની રાબેતા મુજબની ડયુટી નિભાવી રહ્યાં હતા. પાર્ક બંધ થયા બાદ તેઓ સાવજને ઓબ્ઝર્વ કરવા ગયા ત્યારે અચાનક આ ઘટના બની ગઇ હતી. - ઓડેદરા, આરએફઓ
ગાર્ડે મોટરસાઇકલ પર જવાની ભૂલ કેમ કરી ?
સાવજોને પાંજરામા ધકેલવાનુ કામ સામાન્ય રીતે બંધ ગાડીમા કરવામા આવે છે. કોઇ સ્ટાફ બાઇક લઇને જતો નથી. પરંતુ આજે સાંજના સમયે થોડો વરસાદ હોય ગાર્ડ સંજયભાઇ બાઇક લઇને નીકળ્યા હતા. અને એક સાવજ હજુ પાંજરામા ગયો નથી તે વાતથી અજાણ રહી ગયા હતા.
3000 ટૂરિસ્ટના ધસારાથી સાવજ ચીડિયો બન્યો ?
ત્રણ હજારથી વધુ ટુરીસ્ટોને અહી સિંહ દર્શન કરાવવામા આવ્યા હતા. પ્રવાસીઓના સતત ધસારાના કારણે સાવજો સ્વાભાવિક રીતે જ ડિસ્ટર્બ થયા હતા. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું સાવજો ચિડીયા થઇ ગયા હતા ?.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/lion-attacks-on-forest-guard-in-amreli-1566836279.html

No comments: