Tuesday, June 17, 2014

મેંદરડા મધુવંતીમાંથી વેલ દૂર કરો.

Bhaskar News, Mendarada | Jun 14, 2014, 01:48AM IST

મેંદરડા મધુવંતીમાંથી વેલ દૂર કરો
- મેંદરડા મધુવંતીમાંથી વેલ દૂર કરો
- સફાઇ કયારે ? : વરસાદ પહેલા પ્રીમોન્સુન કામગીરી કરવા ગ્રામજનોની માંગ
- ૧૦ થી ૧પ વર્ષ થયાં કચરો કઢાયોજ નથી : નદીમાં દેશી દારૂ પણ વેચાય છે

ચોમાસુ બેસી ગયું, વરસાદ થવાને આડે હવે થોડા દિવસોની જ વાર છે. દર વર્ષે દરેક ગામમાં વરસાદ પહેલા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાય છે. ત્યારે મેંદરડામાં આ કામગીરી સાવ નહિ‌વત છે. ગામની મધ્યમાંથી પસાર થતી મધુવંતી નદીમાં દશ-દશ ફુટની ગાંડીવેલ ઉગી નીકળી છે. નદીમાં ગામનો કચરો, ગટરનું ગંદુ પાણી અને મરેલા પશુઓ પણ નંખાય છે. જેથી આ નદીમાં સાફ-સફાઇ કરવામાં આવે અને શહેરીજનોની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ગ્રામજનોએ માંગ કરી છે. સામાન્ય રીતે તો પ્રીમોન્સુનની કામગીરી પંચાયત, કે પાલિકા દ્વારા જ થતી હોય છે.

પરંતુ નદીની સફાઇ વિષે મેંદરડા ગ્રામ પંચાયતનાં સરપંચ વિનુભાઇ ગજેરાને પુછવામાં આવ્યું તો તેણે એવું જણાવ્યું હતું કે આ કામગીરીને ધારાસભ્ય ગ્રાન્ટ આપે અને કોઇ સાર્વજનિક સંસ્થા દ્વારા કામ કરવામાં આવે તો થઇ શકે છે. બાકી તો આ કામગીરી પંચાયતે કરવાની જ હોતી નથી. મધુવંતી નદીમાં ગાંડીવેલ હમણાં જ ઉગી નીકળી છે એવું નથી છેલ્લા ૧૦ વર્ષથી આ વેલ ઉગી નીકળી છે અને રૂપિયા પણ ફાળવાયા છે પરંતુ આ વેલ દુર કરવાની કામગીરી માત્ર ચોપડે જ નોંધાઇ છે. ત્યારે નદીની સાફ સફાઇનાં બહાને હજારો કે લાખો રૂપિયા પચાવી ગયેલા લોકોની પણ તપાસ થાય અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે.

નદીમાં દેશી દારૂનાં અડ્ડાઓ ધમધમે છે

મેંદરડાની મધુવંતી નદીમાં ઉગી નીકળેલી ગાંડી વેલ ગ્રામજનોને ફાયદો કરે કે ન કરે પરંતુ દેશી દારૂનાં ધંધાર્થીઓ માટે ખુબ ફાયદા કારક છે. દરરોજ સાંજે અહીં દારૂનો ખુબ વેપાર થાય છે. પરંતુ મેંદરડા પોલીસને આ જરા પણ ધ્યાને આવતુ નથી. પરંતુ જો પોલીસ ટીમ દ્વારા આ વિસ્તારમાં તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિથી થતાં કામોનો ખ્યાલ આવી શકે તેમ છે.

No comments: