Tuesday, June 3, 2014

તુલસી શ્યામના મહંત ભોળાદાસબાપુનુ નિધન, ભક્તો શોકમગ્ન.

Dilip Raval, Amreli | Jun 02, 2014, 23:53PM IST
તુલસી શ્યામના મહંત ભોળાદાસબાપુનુ નિધન, ભક્તો શોકમગ્ન

- સંતના નિધનથી બાબરીયાવાડ શોકમાં ગરકાવ
- અશ્રુભીની વિદાય : તુલસી શ્યામ મંદિરના મહંત ભોળાદાસબાપુનું નિધન થતા સૌરાષ્ટ્રભરમાંથી સેવકગણ દોડી આવ્યો
- સંતના નશ્વરદેહના સંતો મહંતોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

જ્યાં ધર્મની ધજા સતત ફરકતી રહે છે તે તુલશીશ્યામ જગ્યાના મહંત ભોળાદાસબાપુ ગુરૂ સેવાદાસબાપુનું ગઇરાત્રે અચાનક જ નિધન થતા બાબરીયાવાડ તથા અમરેલી જીલ્લા સહિ‌ત સૌરાષ્ટ્રભરમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. આજે અહિં ઉપસ્થિત નામી-અનામી સંતો મહંતો, રાજકીય આગેવાનો અને સેવક સમુદાયે બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

ભોળાદાસબાપુના નિધનના નિધનના સમાચારને પગલે સતાધારથી વિજયદાસબાપુ, તાતકડાના બાલકૃષ્ણદાસબાપુ, મુક્તાનંદબાપુ, ચલાલાના મહાવિરબાપુ, ગોવિંદબાપુ, કરશનદાસબાપુ, લક્ષ્મણદાસબાપુ, જમનાદાસબાપુ, મણીરામબાપુ, નિરૂબાપુ, સરસીયાના શ્યામ સુંદરદાસજીબાપુ, જુનાગઢના સીતારામબાપુ, રાજુભાઇ શાસ્ત્રી વિગેરે આજે તુલશીશ્યામ દોડી આવ્યા હતાં અને ભોળાદાસબાપુની અંતિમવિધીમાં હાજરી આપી હતી. આજે બપોરે બાર કલાકે ભોળાદાસબાપુના નશ્વર દેહને આ સંતો-મહંતોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
 
ભોળાદાસબાપુ વિશાળ સેવક વર્ગ ધરાવતા હતાં. બાપુના નિધનના સમાચારને પગલે બાબરીયાવાડ સહિ‌ત જીલ્લાભરમાં શોકની લાગણી ફરી વળી હતી. રાજુલા-જાફરાબાદ, નાગેશ્રી, સાવરકુંડલા, ઉના, ધારી, બગસરા, અમરેલી, ધોકડવા, સોનારીયા, ડેડાણ સહિ‌તના આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્ત સમુદાય તુલશીશ્યામ દોડી ગયો હતો.

સંસ્થાના વહીવટકર્તા અને માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, સેંજળના શાંતીબાપુ વિગેરે પણ અહિં દોડી આવ્યા હતાં. હાલના પ્રધાનમંત્રી અને તે વખતના રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા ગીર ગઢડા આવ્યા ત્યારે તેમણે ભોળાદાસબાપુનું સન્માન કર્યુ હતું. ભોળાદાસબાપુએ તુલશીશ્યામની જગ્યાના વિકાસ માટે મહત્વની ભુમિકા અદા કરી હતી.
ઠેર ઠેરથી અપાઇ શ્રધ્ધાંજલી

પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ પરશોતમભાઇ રૂપાલાએ બાપુને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યુ હતું કે સરળ સંતની વિદાય સૌરાષ્ટ્રને સાલશે. પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણી અને વિરજીભાઇ ઠુમ્મરે પણ બાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ધારાસભ્ય હિ‌રાભાઇ સોલંકીએ જણાવ્યુ હતું કે ભોળાદાસબાપુ ભોળા સાધુ હતા. પૂજય મોરારીબાપુએ પણ શોક સંદેશો પાઠવ્યો હતો.
૪૦ વર્ષથી મંદિરમાં સેવા આપતા હતાં

ભોળાદાસબાપુ છેલ્લા ૪૦ વર્ષથી તુલશીશ્યામ મંદિરમાં કોઇને કોઇ રીતે સેવા કરી રહ્યા હતાં. અગાઉ સૌ પ્રથમ ડેડાણ શ્યામ સુંદર ભગવાનની જગ્યામાં પણ સેવા કરતા હતાં. સમગ્ર બાબરીયાવાડમાં તેમનો સેવક ગણ ખુબ જ વધુ છે. શ્યામબાપાની ટેલ લેવા તેઓ ગામેગામ અને ઘરે ઘરે જતાં.

ગ્યાના વિકાસમાં મોટુ યોગદાન

ભોળાદાસબાપુ છેલ્લા ૧૦ વર્ષથી તુલશીશ્યામના મહંત તરીકે હતાં. જગ્યાના વિકાસમાં સતત કાર્યરત રહેતા હતાં. અહિં નવુ ભોજનાલય, એસી રૂમો, મંદિરનો ગેઇટ, ભગવાનના ઘરેણા, રહેવા અને ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં તેમણે અગત્યની ભુમિકા ભજવી હતી. અહિં બી.વી. વરૂ, અશોકભાઇ મેનેજર, ભોળાભાઇ, જોરૂભાઇ ઉચૈયા, દાદભાઇ વરૂ, પીઠુભાઇ બોરીચા, મીઠાભાઇ લાખણોત્રા, બાબુભાઇ રામ વિગેરે તુલશીશ્યામ દોડી ગયા હતાં.

No comments: