Tuesday, June 17, 2014

સિંહણે પાછળ દોટ મૂકતા સિંહ દર્શને ગયેલા યુવાનો ભાગ્યા.

Bhaskar News, Khambha | Jun 08, 2014, 00:17AM IST
ખાંભા તાલુકો ગીરકાંઠા નજીક આવેલો છે. અહીના રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સાવજો શિકારની શોધમા આવી ચડે છે. ત્યારે ગઇકાલે રાત્રીના અહીના ખડાધાર રોડ પર આવેલા રાહાગાળામા એક સિંહ સિંહણ આવી ચડયા હતા. સિંહદર્શનની લ્હાયમા અનેક લોકો અહી દોડી આવ્યા હતા. પરંતુ કોઇએ કાંકરીચાળો કરતા સિંહણ પાછળ દોડતા યુવકો ભાગ્યા હતા. ખાંભા નજીકના વાડી ખેતરોમા જંગલમાથી અનેક વખત સાવજો આવી ચડે છે. અહી અનેક વખત મારણની ઘટનાઓ બનતી રહે છે. મારણની ઘટના બનતા જ લોકો સિંહ દર્શનની લ્હાયમા દોડી જાય છે. ત્યારે ગઇકાલે રાત્રીના સમયે રાહાગાળા વિસ્તારમા સિંહ સિંહણ આવી ગયાની જાણ સિંહપ્રેમીઓને થતા જ અહી રાત્રીના સમયે પંદરેક જેટલા યુવકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા.

સિંહણને ઉભી કરવા માટે કોઇએ કાંકરીચાળો કરતા જ સિંહણનો પીતો છટકી ગયો હતો અને સિંહણે દોટ મુકતા જ યુવકોમા નાસભાગ મચી ગઇ હતી. ભાગે તે ભાયડાની જેમ યુવકો ઝાડી ઝાંખરાની પરવા કર્યા વિના જ દોડવા લાગ્યા હતા. જેમા અનેકના ચપ્પલ તો કોઇના મોબાઇલ પણ પડી ગયા હતા. આ વાત વાયુવેગે પ્રસરી જતા કોની કોની પાછળ સિંહણે દોટ મુકી તે જાણવા લોકો એકબીજાની પુછપરછ કરતા નજરે પડયા હતા. સિંહ દર્શન કરવા ગયેલા તમામ યુવકોએ નકકી કર્યુ હતુ કે આપણી પાછળ સિંહણે દોટ મુકી તે બાબતે કોઇએ કોઇના નામ ન આપવા. ત્યારે આ વિસ્તારમાં અનેક વખત મારણની ઘટનાઓ બનતી હોય અને લોકો સિંહદર્શન માટે જતા હોય વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તે જરૂરી છે.

No comments: