Tuesday, June 17, 2014

વરસાદ પડતા યાર્ડમાં કેરીની આવક વધી : સીઝન પૂર્ણતાનાં આરે.

Bhaskar News, Junagadh | Jun 15, 2014, 01:47AM IST

- શહેરનાં માર્ગો પરથી કેરીનાં સ્ટોલ ઉઠવા લાગ્યા

વેરાવળનાં દરીયામાં ચક્રવાત ઉપડતા ખેડૂતોએ કેરી ઉતારવાનુ શરૂ કરી દીધુ હતુ. તેમજ વરસાદ શરૂ થતા જૂનાગઢ યાર્ડમાં કેરીની આવકમાં પણ વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં યાર્ડમાં કેરીનાં ૮૮,૨૩૧ બોકસની આવક થઇ છે. બીજી તરફ શહેરમાં માર્ગો પર જે કેરીનાં સ્ટોલ હતા. તે પણ ઉઠવાનું શરૂ થઇ ગયુ છે. વરસાદ શરૂ થતા કેરીની સીઝન પૂર્ણતાનાં આરે છે. ચાલુ વર્ષે કેરીની સીઝન શરૂ થાય એ પહેલાં પડેલા કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થયું હતું. જોકે, બાદમાં પાછોતરો પાક સારો રહેતા ખેડૂતો અને વેપારીઓને ફાયદો થયો હતો. તેમજ કેરીની સીઝનમાં જૂનાગઢ યાર્ડમાં પાછોતરી આવક પણ સારી થઇ હતી. બાદમાં બુધવારથી વાતાવરણમાં બદલાવ આવતા કેરીની આવક વધવા લાગી હતી.

પ્રથમ વેરાવળનાં દરીયામાં ચક્રવાત સર્જા‍યુ હતુ. વાવાઝોડાની દહેશત વચ્ચે ખેડૂતોએ કેરી ઉતારવાનું શરૂ કરી દીધુ હતુ. બાદમાં બે દિવસથી ચોમાસું જામતાં ખેડૂતો કેરી ઉતારી રહ્યા છે. જેના પરીણામે જૂનાગઢ યાર્ડમાં પણ કેરીની આવક વધી છે. તા. ૯નાં ૭૮૮૭, તા. ૧૦નાં ૧૦,૮૪૯, તા.૧૧નાં ૨૦,૭૧૯, તા.૧૨નાં ૨૩,૯૦૨ અને તા.૧૩નાં ૨૪,૮૭૪ કેસર કેરીનાં બોકસની આવક થઇ હતી. ચાર દિવસમાં કેરીની આવકમાં સતત વધારો થયો હતો. બીજી તરફ વરસાદ પડવાનુ શરૂ થતા શહેરનાં માર્ગો પર કેરીનાં સ્ટોલ સંકેલવાનું શરૂ થયુ હતુ.

No comments: