Sunday, June 1, 2014

તાલાલામાં સીદી આદિવાસીઓનું પાલિકા સામે ઉપવાસ આંદોલન શરૂ.

તાલાલામાં સીદી આદિવાસીઓનું પાલિકા સામે ઉપવાસ આંદોલન શરૂ
Bhaskar News, Talala | May 29, 2014, 01:51AM IST
મળવા પાત્ર વિવિધ ૧૮ મુદ્દાઓ સાથે લડત આદરી
 
તાલાલા શહેરમાં વસતા સીદી આદિવાસી સમાજનાં લોકોએ પાયાની સવલતો પુરી પાડવા અને આદીવાસી તરીકે મળવા પાત્ર લાભો મળતા ન હોય સીદી સમાજનાં ગરીબ અને પછાત પરિવારોને સરકારનો વિવિધ યોજના હેઠળનાં લાભો પુરા પાડવા અઢાર મુદ્દાની માંગ સાથે તાલાલા નગરપાલિકા સામે સીદી સમાજનાં લોકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.

સૌરાષ્ટ્ર સીદી આદી જાતી વિકાસ મહીલા સંગઠનનાં નેજા હેઠળ શરૂ થયેલ આંદોલન અંગે સંગઠનનાં અગ્રણી હાસુભાઇ રજબભાઇ પરમારે જણાવેલ કે આંદોલન પહેલા અમોએ તાલાલા નગર પાલિકા સમક્ષ માંગો રજૂ કરી મળવાપાત્ર સવલતો અપાવવા રજૂઆતો કરેલ અને માંગ નહીં પુરી કરાય તો ના છૂટકે આંદોલન કરવાની જાણ કરેલ આજ સુધી નગરપાલિકાનાં સત્તાધીશો તરફથી રજૂઆતો અંગે ધ્યાન ન અપાતા ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે.

આંદોલન માટે મુખ્ય મુદ્દા ઘર માટે જમીન આપવી, જૂના મકાનો પાડી નવા બનાવી આપવા, પીવા માટે શુધ્ધ પાણી આપવુ દરેક ઘરોમાં નળ કનેકશનો આપવા સીદી વાડા માટે અલગથી પાણીનો ઓવરહેડ ટાંકો બનાવી આપવો. પ્રસંગો માટે સીદી ભવન બનાવવુ, સીદી વિસ્તારમાં ભુગર્ભ ગટર સહિ‌ત વિવિધ અઢાર માંગો સાથે શરૂ થયેલા ઉપવાસ આંદોલનને પ્રથમ દિવસે જ ભારે સહકાર મળ્યો હતો જવાબદાર વહીવટી તંત્ર રજૂઆતોનાં ઉકેલ માટે ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. ઉલ્લેખનીય એ છેકે, ઉપવાસ છાવણીમાં સીદી આદિવાસીઓનાં પ્રતિનિધીઓએ કહ્યું હતુ કે, શહેરમાં મળવા પાત્ર લાભો પણ ન મળતા હોય ત્યારે રજૂઆત પછી સૌરાષ્ટ્રનાં સંગઠનનાં નેતૃત્વમાં આ પગલુ લઇ પાલિકા સામે આંદોલનનાં મંડાણ કર્યા છે.

No comments: