Tuesday, June 17, 2014

ગીર પંથકમાં મેઘો ઓળઘોળ, હિ‌રણ નદીમાં આવ્યું ઘોડાપૂર.

Bhaskar News, Talala | Jun 16, 2014, 10:03AM IST
- ગીર પંથકમાં ૬ કલાકમાં ૧૦ ઈંચ
- ધમાકેદાર : ગીરની હિ‌રણ,સરસ્વતી,કરકરી નદીમાં ઘોડાપૂર : જળાશયોમાં આવક
- તાલાલાનાં જાંબુર ગીર પાસે સરસ્વતી નદીનાં પૂરનાં પાણી પુલ ઉપર આવતા તાલાલા-ઊના હાઈવે બંધ : વાહનોનાં થપ્પા

ગીર-પંથકમાં આજે સવારથી થઇ રહેલ ભારે બફારા વચ્ચે બપોરે બે વાગ્યે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા મુશળાધાર વરસાદ વરસવાનું શરૂ થયેલ બે થી ચાર વાગ્યા સુધીમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી જતાં નદીઓમાં પાણીની ભારે આવક શરૂ થઇ ગયેલ બપોરે ચારથી છ વાગ્યા સુધીમાં વધુ ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ગીર પંથક જળબંબોળ થઇ ગયેલ તાલાલા યાર્ડમાં કેસર કેરીનાં અઢાર હજાર બોક્ષ વેચાણ માટે આવેલા જેમાં શેડમાં પડેલ માલ બચી ગયો હતો.

સાત હજારથી વધુ બોકસ તાલપત્રીઓ ઢાંકવા છતાં પલળી ગયા હતા. આંબળાશ ગામે વોકળાનાં પુરમાં બળદગાડા સાથે ખેડૂત તણાયેલ ઝાડ પકડાઇ જતાં ખેડૂતનો બચાવ થયેલ. જ્યારે બળદગાડુ પૂરમાં તણાઇ ગયું હતું. જશાપુર ગામે પૂરમાં ફસાયેલા ખેડૂત યુવકને બચાવવામાં આવેલ જ્યારે તાલાલા-ઊના હાઇવે ઉપર થંબુર ગામ પાસે પસાર થતી સરસ્વતી નદીમાં આવેલ ભારે પૂરનાં પાણી પુલ ઉપરથી વહેવા લાગતા તાલાલા-ઊના હાઇવે બંધ થઇ ગયો હતો.

તાલાલા સહિ‌ત સમગ્ર ગીર-પંથકમાં આજે બપોરે બે વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગીર જંગલ સહિ‌ત સાસણ, લુશાળા, ધાવા, હરીપુર, બોરવાવ, વીરપુર, જશાપુર, મોરૂકા, માધુપુર, આંકોલવાડી, સુરવા, બામણાસા, આંબળાશ સહિ‌તનાં ગામોમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકેલ ગીર જંગલનાં ઉપરવાસ અને જંગલ ફરતે ભારે વરસાદ થતાં સુરવા ગામેથી વહેતી કરકરી નદી માધુપુરથી વહેતી સરસ્વતી નદી ગીરમાંથી વહેતી હિ‌રણ નદીમાં પૂર ઉમટી પડયા હતા. આંબળાશ ગામે જવાનાં રસ્તા બંધ થઇ ગયા હતા. મેઘરાજાએ એન્ટ્રી સાથે જ સાર્વત્રીક વરસાદ વરસાવતા ગીરનાં લોકોનાં હૈયા ઝૂમી ઉઠયા હતા.


આંબળાશ ગામે બળદગાડા સાથે તણાયેલા ખેડૂતનો બચાવ

આંબળાશ ગામે ખાબકેલા ભારે વરસાદથી ગામ ફરતે પાણી ફરી વળ્યા હતા. ગામનાં સ્મશાન નજીકથી પસાર થતાં વોકળાંમાં ભારે પૂર આવતા ખેતરેથી ઘરે પરત બળદગાડુ લઇ આવતા ખેડૂત પ્રવિણભાઇ કાનજીભાઇ લાડાણીનું બળદગાડુ પૂરમાં તણાઇ ગયેલ કાંઠે રહેલ ઝાડ પકડાઇ જતાં ખેડૂતન બચાવ થયેલ જ્યારે બળદ સાથે ગાડુ ધસમસતા પૂરમાં તણાઇ ગયું હતું.

જશાપુર ગામે નદીમાં ફસાયેલ યુવાન બચ્યો

જશાપુર ગામે ભારે વરસાદથી બાંડીજર નદીમાં પૂર આવતા નદીનાં વહેણમાંથી પસાર થઇ રહેલ ખેડૂત યુવાન ધીનુભાઇ ઠુમ્મર ફસાઇ ગયેલ વહેણમાં આવતા ઇલેકટ્રીક પોલનો સથવારો મળી જતાં યુવાન તણાતા બચી ગયેલ અને લોકોની મદદથી યુવાનને બચાવી લેવાયો હતો.

No comments: