Bhaskar News, Porbandar | Jun 06, 2014, 01:53AM IST

- દરિયા પાર : પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં દરરોજ કેસરકેરીનાં ૧પ,૦૦૦ બોક્સની મબલખ આવક
- ખંભાળાની એક કેરીનું વજન પ૦૦ થી ૭પ૦ ગ્રામ : એક બોક્સ ૧૦૦૦ થી ૧૧૦૦ રૂા. માં વેચાય છે : કેરીની પુષ્કળ આવક થતા ભાવ તળીયે ગયા
ફળોના રાજા ગણાતી કેસર કેરીથી બજાર હાલ ઉભરાઈ રહ્યું છે. પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ૧પ,૦૦૦ કેસર કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે. તાલાળા ઉપરાંત બરડાપંથકની કેસર કેરીની પણ મબલખ આવક જોવા મળી રહી છે. ખંભાળાની કેસર કેરીની સોડમ વિદેશ સુધી પહોંચી છે. હાલ પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ખંભાળાની ઉત્તમ ક્વોલીટીની કેસર કેરીની આવક જોવા મળી રહી છે, જેમાં એક કેસર કેરીનું વજન પ૦૦ થી ૭પ૦ ગ્રામ જેવું છે અને આ કેસર કેરીનું બોક્સ ૧૦૦૦ થી ૧૧૦૦ સુધી વેચાય છે.
કેસર કેરીની જાત હવે વિશ્વથી જરાયે અજાણી નથી. ભારતમાં ઉત્પાદિત વિવિધ કેરીની વિશ્વબજારમાં એક અનોખી જ બજાર હાલ જોવા મળી રહી છે. જેના દ્વારા ભારત સારૂં એવું વિદેશી હુંડીયામણ રળી લે છે. હાલ ગુજરાતમાં તાલાળાની કેસર કેરીની જબરી માંગ છે ત્યારે પોરબંદર જિલ્લાના બરડા ડુંગરની ગોદમાં આવેલા ખંભાળા, હનુમાનગઢ અને તરસાઈ સહિતના ગામોમાં પણ કેસર કેરીના બગીચાઓ આવેલા છે. ખંભાળાની આ કેસર કેરીની સોડમ છેક દુબઈ સુધી પ્રસરી છે. પોરબંદરના માર્કેટીંગયાર્ડમાં હાલ ૮ થી ૧૦ હજાર કેસર કેરીનું બોક્સ જ્યારે પ થી ૬ હજાર ખંભાળાની કેસર કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે જેને કારણે માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સના ઢગલા જોવા મળે છે. કેસર કેરીની વધુ પડતી આવકને કારણે કેસર કેરીના ભાવ તળીયે ગયા છે, જેને કારણે ૨પ૦ થી લઈને ૩પ૦ રૂા. સુધીના કેરીના બોક્સ મળે છે.

ઉલ્લેખનીય છે કે, ખંભાળા, હનુમાનગઢ જેવા બરડા ડુંગરના તળેટીના વિસ્તારોમાં કેરીના અનેક બગીચાઓ આવેલા છે. જેમાંથી ઉત્પાદિત થતી કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ થાય છે. આ કેરીની વિશેષતા એ છે કે, તેનો સ્વાદ અનોખો અને એકસરખો રહ્યો છે. આ વખતે તો ખંભાળાની જમ્બો કેસર કેરી જોવા મળી રહી છે. એક કેરીનું વજન પ૦૦ થી ૭પ૦ ગ્રામ જેવું છે, જેનો ભાવ પણ ઊંચો જોવા મળે છે. કેસર કેરીની મબલખ આવકને પગલે ભાવ ઘટતા લોકો કેસર કેરીનો સ્વાદ માણી રહ્યા છે.

મોટાભાગે કેસર કેરીનું ગીરના જ તાલાળા સહિતના ગામડાઓમાં ઉત્પાદન જોવા મળે છે. ગીર જેવી જમીન બરડા ડુંગરની ગોદમાં આવેલા ગામોમાં પણ આવેલી છે. જેને કારણે અહીં કેસર કેરીના આંબાઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જેને કારણે ખંભાળામાં પણ કેસર કેરીનું વધુ પડતું ઉત્પાદન થાય છે અને ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીનું વધુ ઉત્પાદન થયું હોવાનું પણ કેસર કેરીના સફળ ઉત્પાદક દિનુભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું.

મોટાભાગના લોકો માર્કેટીંગ યાર્ડમાંથી ખરીદી કરે છે
કેરીનો સ્વાદ હરકોઈ વ્યક્તિને પસંદ હોય છે, એટલે જ કેરીની સીઝન શરૂ થાય ત્યારે લોકો કેરી ખરીદવાનું શરૂ કરી દે છે. કેરીની આવક શરૂ થાય ત્યારે કેરીના ભાવ પણ ઊંચા હોય છે તેમ છતાં લોકો કેરીનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. હાલ તો કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે, જેને કારણે મોટાભાગના લોકો વહેલીસવારે જ માર્કેટીંગ યાર્ડ ખાતે કેસર કેરીની હરરાજીમાંથી એકીસાથે બે-ત્રણ બોક્સની ખરીદી કરી લે છે, જેને કારણે આ બોક્સ તેમને થોડુંઘણું સસ્તું પડે છે.
No comments:
Post a Comment