Tuesday, June 3, 2014

આવતીકાલે કનઝર્વેટર ઓફ ફોરેસ્ટની વેસ્ટર્ન રેલ્વેનાં જીએમ સાથે બેઠક.


Bhaskar News, Junagadh | Jun 02, 2014, 01:14AM IST
- આવતીકાલે કનઝર્વેટર ઓફ ફોરેસ્ટની વેસ્ટર્ન રેલ્વેનાં જીએમ સાથે બેઠક
- ટ્રેન હેઠળ કપાતા સાવજોને બચાવવા વનવિભાગ એકશનમાં

પીપાવાવ પોર્ટ બ્રોડગેજ રેલ્વે લાઇન પર તાજેતરમાંજ ટ્રેન હેઠળ કપાઇ જતાં સાવજોનાં મોતની અનેક ઘટના બની છે. ત્યારે આવા અકસ્માતોને રોકવા માટે વનતંત્રએ સંખ્યાબંધ પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સાવજો માટે બાયપાસ કે અંડરપાસ બને તેમજ અન્ય પ્રયાસો પણ થાય એ માટે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળનાં વન સંરક્ષક આગામી તા. ૩ જૂને મુંબઇ ખાતે વેસ્ટર્ન રેલ્વેનાં જનરલ મેનેજર સાથે બેઠક યોજનાર છે.

ગિરનાં જંગલમાં વસતા એશિયાટિક સિંહોનો પરિભ્રમણ વિસ્તાર હવે ગિરનાં જંગલની બહાર છેક તળાજા સુધી પહોંચ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી પસાર થતી પીપાવાવ પોર્ટ બ્રોડગેજ રેલ્વે લાઇન પરથી પસાર થતી માલગાડી હડફેટે તાજેતરમાં અનેક વખત સિંહોનાં ટ્રેન હેઠળ કપાઇ જવાની ઘટનાઓ બની છે. વનવિભાગ આવા બનાવો રોકવા માટે હરકતમાં આવી ગયું છે.

આ માટે સિંહોનાં પરિભ્રમણ વિસ્તારને ઓળખી કાઢી એ વિસ્તારમાંથી ટ્રેન પસાર થતી હોય ત્યારે એન્જીન ડ્રાઇવરે કઇ તકેદારી રાખવી એ માટેની ખાસ તાલીમ પણ તેઓને આપવામાં આવી છે. જેમાં આ વિસ્તારમાં ટ્રેન ધીમી પાડી દેવા, હોર્ન મારવા સહિ‌તનાં પગલાં સામેલ છે.

દરમ્યાન સિંહો ટ્રેક પર આવ્યા વિના અંડર પાસ કે બાયપાસ કરી શકે એવી વ્યવસ્થા, અમુક ચોક્કસ સ્થળે ટ્રેકની બંને તરફ ફેન્સીંગ, વગેરે પગલાં લેવા માટે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળનાં વનસંરક્ષક આર. એલ. મીણા આગામી તા. ૩ જૂને મુંબઇ જનાર છે. અને ત્યાં તેમની વેસ્ટર્ન રેલ્વેનાં જનરલ મેનેજર સાથે બેઠક યોજાશે. ત્યારે આ બેઠક તરફ પર્યાવરણવાદીઓની નજર મંડાઇ છે.

No comments: