Tuesday, June 30, 2015

અમરેલી: 100થી વધુ ગામો પાણીમાં, લોકો સંપર્ક વિહોણા.

divyabhaskar.com
Jun 25, 2015, 15:17 PM IST
અમરેલી: 100થી વધુ ગામો પાણીમાં, લોકો સંપર્ક વિહોણા
અમરેલી: અમરેલી જિલ્લામાં આજે જાણે આભ ફાટયું હોય તેમ જિલ્લાભરમાં બારે મેઘ ખાંગા થયા હતાં. બગસરામાં ગણતરીનાં કલાકોમાં 26 ઇંચ વરસાદ ખાબકતા તાલુકો જળમય થયો હતો. સવારથી  સાંજ સુધીમાં બગસરામાં 26 ઇંચ ઉપરાંત ધારીમાં 22 ઇંચ, વડીયામાં 18 ઇંચ, સાવરકુંડલામાં 10 ઇંચ, અમરેલી, લાઠી  તથા ખાંભામાં આઠ ઇંચ, લીલીયા અને સાવરકુંડલામાં 6 ઇંચ, બાબરામાં 4 ઇંચ તથા જાફરાબાદમાં 6 ઇંચ વરસાદ ખાબકતા ભારે ખાનાખરાબી સર્જાઇ હતી.  અતિ ભારે વરસાદથી અમરેલી જિલ્લામાં ખોડીયાર, વડી, ઠેબી, વડીયા, મુંજીયાસર, રાયડી, ધાતરવડી સહિતનાં તમામ ડેમ છલકાઇ ગયા હતાં. અમરેલી, બગસરા, લીલીયા તથા સાવરકુંડલા તાલુકાનાં 100 થી વધુ ગામો બેટમાં ફેરવાયા હતાં અને હજારો લોકો ફસાઇ ગયા હતાં. જ્યારે અમરેલી જિલ્લામાં સર્જાયેલી તારાજીને પગલે ડિઝાસ્ટર વિભાગ દ્વારા બે હેલિકોપ્ટરની મદદ આપવામાં આવી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ વિસ્તાર પર નજર રાખવા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરશે.
 
- અમરેલીમાં મેઘતાંડવ: 100થી વધુ ગામો પાણીમાં, 29 મોત
- તમામ ડેમો ઓવરફલો : નિચાણવાળા ગામો બેટમાં ફેરવાયા : અનેક લોકો સંપર્ક વિહોણા : તંત્ર એલર્ટ

 
 ફસાયેલા લોકોને ઉગારવા એનડીઆરએફ, એસઆરપીની ટુકડીઓ કામે લગાડાઇ હતી. બે હેલીકોપ્ટરની મદદથી 73 લોકોને બચાવાયા હતાં. કલેકટર, ડીડીઓ, એસપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓએ બચાવ રાહત કામગીરી સંભાળી હતી. પરંતુ જિલ્લાનાં અનેક વિસ્તારોનો સાંજે પણ સંપર્ક થઇ શકયો ન હતો. રાજય સરકાર દ્વારા વિજયભાઇ રૂપાણીએ અમરેલી દોડાવાયા હતાં. નદીઓ ગાંડીતુર થતાં ગાવડકા નજીક શેત્રુંજીનો પુલ તુટી ગયો હતો. રેલવે ટ્રેક ધોવાઇ ગયો હતો. ટીંબીમાં 30 દુકાનો તણાઇ હતી. 150 ઘેંટા-બકરા તણાયા હતાં. સાવરકુંડલાની નાવલ બજારમાં તથા બગસરાની બજારમાં પણ ઘુસતા માલમત્તાની મોટી નુકશાની થઇ હતી. લીલીયા પંથકમાં પણ આજે મેઘસવારી આવી પહોંચી હતી. અહીં 4 ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી વહેતા થયા હતાં. અહીં શેંત્રુજી અને ગાંગડીઓ નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળતા અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતાં. જેને પગલે ગામો સંપર્ક વિહોણા થયા હતાં. અહીં પાણીમાં અનેક દુકાનો તેમજ પશુઓ તણાઇ ગયાનું જાણવા મળી રહયું છે.
 
શેંત્રુજી અને ગાંગડીએ નદીમાં ઘોડાપુર આવતા લીલીયા પ઼થકના આંબા, ભેરાવડી, લોકા, લોકી, નાના લીલીયા, ક્રાંકચ, બવાડી, બવાડા, ઇંગોરાળા સહિતના ગામોમાં પાણી ઘુસી જતા ભારે ખાના ખરાબી સર્જાણી છે. અહીં પુરના અનેક દુકાનો અને પશુઓ તણાઇ ગયાનું જાણવા મળી રહયું છે. હાલ આ ગામો બેટમાં ફેરવાઇ ગયા હોય સંપર્ક વિહોણા બની ગયા છે. અહીં શેંત્રુજી નદીના કાંઠે આવેલ વાડી ખેતરોમાં પાણી ઘુંસી જતાં ખેતીપાકને નુકસાન થયું છે. ગણતરીની કલાકોમાં જ આ પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. અહીં અનેક સાવજો વસવાટ કરતા હોય. શેત્રુંજી નદીમાં પુર આવતા અનેક સાવજો વૃક્ષો ઉપર ચઢી ગયા હોવાનું પણ જાણવા મળી રહયું છે. અહીં શેંત્રુજી નદીના કાંઠે છ સિંહબાળ પણ વસવાટ કરી રહયાં છે અહીંના ભેસવડી નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં હતાં.
 
નદીઓમાં આવેલા પાણીનાં પ્રવાહનાં પગલે 100થી વધુ ગામોમાં પાણી ઘુસી ગયા હોવાની માહિતી મળી છે. જ્યારે લોકો છતનો સહારો લઈ રહ્યા છે. અમરેલીમાં હેલીકોપ્ટરથી 100 જેટલા લોકોને બચાવી લેવાયા છે. અમરેલી, લીલીયા અને સાવરકુંડલાનાં ગામોમાં પૂરનાં સંકટના પગલે એસઆઈપી અને એનડીઆરએફની ટુકડીઓ પણ મદદ માટે અમરેલી પહોંચી ગઈ છે. બગસરા નજીકનાં પીઠડીયામાં પાંચ લોકો પાણીના પ્રવાહમાં તણાયાની આશંકા ગામલોકોએ દર્શાવી હતી. તો ટીંબીમાં 30 દુકાનો તણાય ગઈ છે, અને કેટલાક મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે.
 
અમરેલીમાં ભારે વરસાદનાં કારણે લોકોની મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમે હેલ્પલાઈન શરૂ કરી છે.
 
02792-230735
9428970633
9426276600

આગળ વાંચો: સૌથી વધુ અસરગ્રસ્ત ગામો, ઓછી અસરવાળા ગામો-વિસ્તારો, શેઢાવદરમાં ભારે ખાના ખરાબી, અમરેલીમાં અનેક વિસ્તારમાં પાણી ઘુસ્યા, નદીના પાણી ગામડાઓમાં ઘુસતા લોકોએ છત-ધાબા પર ચડી પોતાના જીવ બચાવ્યા

કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, અમરેલી જિલ્લાના ધારી અને બગસરામાં હજુ પણ સતત ભારે વરસાદ ચાલુ છે. આશરે 24 કલાકમાં 26 ઇંચ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે. તે જોતા ધારી અને બગસરામાં ફસાયેલા લોકોને બહાર કાઢવા એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી છે. હેલિકોપ્ટર અને એનડીઆરએફની મદદથી રાહત બચાવની કામગીરી ઝડપી બની જશે.

સૌથી વધુ અસરગ્રસ્ત ગામો
 
ખારીખીજડીયા, કમીગઢ, કેરાળા, ઢોલરવા, બાબાપુર, વાડીયા-કુકાવાવના મોટી કુકાવાવ, વડીયા, કૃષ્ણપુરા વિસ્તાર, બગસરાના ચારણપીપપળી, હડાળા, જામકા, બગસરા માર્કેટિંગ યાર્ડ પાસે, પીઠડીયા અને ધારીનું પરબડી
 
ઓછી અસરવાળા ગામો-વિસ્તારો
 
મોટા માંડવડા, ટીંબલા, પાણીયા, વડેરા, સાજીયાવદર, ગાવડકા, જાળીયા, રાજુલાના જીંગા ફાર્મ હાઉસ વિક્ટર, વડીયા-કુકાવાવના સનાળી, તાલાળી અને બગસરા

No comments: