Tuesday, June 30, 2015

ખિલાવડ ગામે ખુલ્લા કૂવામાં પડી જતાં 12 વર્ષના સિંહનું મોત.

ખિલાવડ ગામે ખુલ્લા કૂવામાં પડી જતાં 12 વર્ષના સિંહનું મોત
  • Bhaskar News, Una
  • Jun 18, 2015, 01:37 AM IST
- સિંહ જાંબલા નામથી આ વિસ્તારમાં પ્રચલિત હતો

ઊના: ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામે 30 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી જતાં આશરે 12 વર્ષના સિંહનું ડૂબી જતાં મોત થયું હતું. ગીરના બોર્ડર વિસ્તારમાં  ઘણા એવા ખુલ્લા કૂવાઓ આવેલા છે. જેના કારણે  સિંહ અને દીપડા વારંવાર આવા ખુલ્લા કૂવામાં પડી જઇને મોતને ભેટે છે. વધુ એક ઘટના ખિલાવડ ગામે બની હતી. ગામમાં આવેલા 30 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં પડી જતાં 12 વર્ષનાં સિંહનું મોત થયું હતું.

જોકે મરનાર સિંહ આ વિસ્તારમાં જાંબલાના નામથી પ્રખ્યાત હોય આ સિંહનું અકસ્માતે કૂવામાં પડી જતાં મોત થતાં જશાધાર રેન્જના આરએફઓ બી.ટી.આયર અને રેસ્ક્યુ ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ સાથે વન વિભાગના રાણપરિયા તથા ખુમાણભાઇ સહિતના પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા  અને કૂવામાંથી સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો.

જોકે બહાર નીકળે તે પહેલા જ સિંહનું ડૂબી જવાથી મોત નીપજી ગયું હતું . જોકે મૃતક સિંહ આ વિસ્તારમાં ખૂબ પ્રચલિત હોય અને તેનો સ્વભાવ પણ શાંત અને કોઇને રંજાડતો ન હોવાને કારણે સિંહના મૃત્યુથી ત્યાં ઉપસ્થિત તમામની આંખો ભીંજાઇ ગઇ હતી અને જાંબલા નામના આ સિંહને ભાવભીની વિદાય આપી હતી. જ્યારે પ્રકૃતિ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

No comments: