Tuesday, June 30, 2015

શહેરમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો ફોરટ્રેક માર્ગ મોડેલ રોડ બનશે

શહેરમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો ફોરટ્રેક માર્ગ મોડેલ રોડ બનશે
  • Bhaskar News, Junagadh
  • Jun 17, 2015, 00:04 AM IST
- સુદર્શન તળાવથી ગિરનાર-દાતારની જગ્યાઓ જોઇ શકાય એવી ગેલેરી બનાવવા વિચારણા

જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનાં માર્ગને મોડેલ રોડ બનાવવાની વિચારણા થઇ રહી છે. મુખ્યમંત્રીની તમામ જિલ્લા કલેક્ટરોને 3 સ્થળોને યાત્રાધામ કે ટુરિઝમની દૃષ્ટિએ વિકસાવવાનાં પ્રોજેક્ટ હેઠળ આ કામગિરી કરાય એવી શક્યતા છે. આ યોજના હેઠળ સુદર્શન તળાવનું બ્યુટીફીકેશન તેમજ ત્યાંથી ગિરનાર અને દાતાર પર્વતની દેખાઇ શકતી જગ્યાઓ દૂરબીનથી જોવા માટેની એક ગેલેરીનાં આયોજનની પણ શક્યતાઓ જોવાઇ રહી છે.

શહેરનાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો આખો રોડ ફોરટ્રેક બની જશે. જેમાં અશોકનાં શિલાલેખથી ગિરનાર દરવાજા સુધીનાં રોડને ફોરટ્રેક બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. દરમ્યાન ગિરનાર દરવાજાથી છેક ભવનાથ સુધી નાં આખા રોડને મોડેલ રોડ બનાવવાની વિચારણા ટુરિઝમ હેઠળનાં કામો અંતર્ગત ચાલી રહી છે.

આ અંગેની વિગતો આપતાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટર યોગી પઢિયારે જણાવ્યું હતું કે, હાલ રજાનાં દિવસોમાં તેમજ સાંજનાં સમયે જૂનાગઢવાસીઓ ભવનાથ ફરવા જવાનું વધુ પસંદ કરે છે. છેક અશોકનાં શિલાલેખથી લઇને સુદર્શન તળાવ સુધી રોડની બંને બાજુ કે ડીવાઇડર પર લોકો પોતાનાં પરિવાર કે મિત્રવર્તુળ સાથે બેસે છે. ઘણી વખત તો ઉનાળાની મોડી રાત્રે આખો પરિવાર ત્યાં જઇને સાથે બેસીને ભોજન કરે છે.

આથી લોકોની સુવિધા વધે એ માટે અમે રસ્તાની બંને બાજુ બેસવાની જગ્યા, બેસી શકે એવાં ડીવાઇડર, ફૂવારો, વગેરેનું આયોજન કરવા માંગીએ છીએ. આ સાથે સુદર્શન તળાવની પાળીએ પણ બ્યુટીફીકેશન કરી ત્યાં સુધી કારમાં જઇ શકાય એ રીતની વ્યવસ્થા, પ્રવાસી સુવિધાઓ, ત્યાં ઉભીને ગિરનાર અને દાતારનાં જે ભાગો જોઇ શકાય છે તે દૂરબીન વડે નજીકથી જોવા ગેલેરી અને દૂરબીનની વ્યવસ્થા પણ કરવા માંગીએ છીએ.

જિલ્લાનાં 3 સ્થળોનો ટુરિઝમની યોજનામાં સમાવેશ

મુખ્યમંત્રીએ દરેક જિલ્લાનાં કલેક્ટરોને 3 સ્થળોનાં ટુરિઝમ કે યાત્રાધામની દૃષ્ટિએ વિકાસ કરવા માટે ફાળવેલા 10 કરોડમાં સુદર્શન તળાવ, નરસિંહ સરોવર અને ચોરવાડનો સમાવેશ કરાયો છે.

ભવનાથમાં રીંગરોડનો વિકાસ

ભવનાથમાં ફરવા આવતા પ્રવાસીઓ તેમજ રજાનાં દિવસે સાંજે ફરવા આવતા જૂનાગઢવાસીઓ માટે જગ્યા વધે એ માટે રીંગરોડની બંને તરફ પણ બેસવાની જગ્યા તેમજ અન્ય સુશોભન અને લોકો ત્યાં બેસીને જમી શકે એવી વ્યવસ્થા પણ અમે કરવા માંગીએ છીએ. આ માટે મનપાની શાસક બોડીનાં પદાધિકારીઓ-હોદ્દેદારોએ પણ રસ દાખવ્યો છે. એમ પણ યોગી પઢિયારે જણાવ્યું હતું.

ગિરનાર જંગલમાં બૌદ્ધ ટુરિસ્ટ સાઇટો વિકસી શકે

છેક 1947માં જૂનાગઢનાં તત્ત્કાલિન કલેક્ટર બનેસીંહે ઇંટવાનાં જંગલમાં ઉત્ખન્ન કરાવ્યું હતું. જેમાં જૂનાં બૌદ્ધ વિહારો, ઇંટવા ગામનાં મકાનોનાં અવષેશો મળી આવ્યા હતા. પરંતુ બાદમાં તેમાં આગળ કોઇ કામ થયું નથી. આથી જો ઇંટવા તરફ અને બોરદેવી તરફ બૌદ્ધ વિહારો-મઠનાં આવશેષો શોધવા ઉત્ખન્ન કરાય તો વિદેશી બૌદ્ધ ટુરિસ્ટોને આકર્ષી શકાય તેમજ છે.
યોગી પઢિયાર, ડાયરેક્ટર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ

No comments: