Thursday, June 9, 2011

શેત્રુંજીના કાંઠે વસવાટ કરતા સિંહબાળ પર પૂરનો ખતરો.


અમરેલી : ૬, જૂન
ભૂતકાળમાં શેત્રુંજી નદીમાં પૂરના ધસમસતા પાણીમાં અનેક સિંહો તણાઈ ગયાના દાખલા છે. જ્યારે શેત્રુંજી નદીના કિનારે અને ખારાપાટ વિસ્તારમાં વસવાટ કરતા તાજા જન્મેલા અનેક સિંહબાળ ઉપર ચોમાસામાં પૂરનો ખતરો છે. ત્યારે આવા સિંહબાળને પરિવાર સાથે સલામત સ્થળે ખસેડવા પ્રકૃત્તિપ્રેમીઓમાં માંગ ઉઠી છે.
ભૂતકાળમાં અનેક સિંહ તણાયાના દાખલા છે
અમરેલી જિલ્લામાં ગીરના જંગલમાં ચાંચઈપાણીયાથી પ્રવેશતી શેત્રુંજી નદી ગીર, ધારી, ચલાલા, ચાંદગઢ, જેસર, ક્રાંકચ થઈને છેક પાલીતાણા સુધી ફેલાયેલી છે. ઉનાળામાં ગરમીથી બચવા અને પીવા માટે પાણીની તલાશમાં આ સિંહોના કોસ્ટલ હાઈ-વે ગણાતા શેત્રુંજી નદીના કિનારે આશરે ૫૦ ઉપરાંત સિંહોનો વસવાટ થઈ ચૂક્યો છે.  ત્યારે વધુ ગંભીર ખતરો ગણાતો હોય બૃહદ ગીર વિસ્તારમાં લીલીયાના ક્રાંકચ પાસેના ખારાપાટમાં વસવાટ કરતા ૨૨ સિંહોની વસાહતો છે. શેત્રુંજીના કાંઠે વસતા આ સિંહોમાં ૧૨ જેટલા સિંહબાળ છે. તેમાં હજુ ૩૦ દિવસ પહેલાં જ એક સિંહણને ત્રણ સિંહબાળ જનમ્યા હતા તે તો હજુ નાના છે.
ખારાપાટમાં ૩૦ દિવસ પહેલાં જ ત્રણ સિંહ બાળ જન્મ્યા છે
ત્યારે આવા નાના સિંહબાળ સહિતના બૃહદગીરના સિંહોને પૂરની સ્થિતિ ઉદભવે તે પહલાં જ અન્ય સ્થળે ખસેડી લેવા પ્રકૃત્તિપ્રેમીમાં માંગ ઉઠી છે. શેત્રુંજી નદીમાં ચોમાસા દરમિયાન અનેક નદીઓના પાણી ભળે છે. ત્યારે પૂરનો પ્રવાહ સિંહોને તાણી ન જાય તે માટે વનવિભાગે પગલાં લેવા જરૂરી છે.

સિંહોને અન્યત્ર ખસેડવા માટે વનવિભાગે પત્ર પાઠવ્યો છે
આ અંગે અમરેલી જિલ્લા વનવિસ્તરણ અધિકારી મકવાણાએ જણાવ્યું છે કે, લીલીયાના ક્રાંકચ પાસે વસવાટ કરતા નાના સિંહબાળ અને અન્ય સિંહોને પૂરની સ્થિતિથી બચાવવા માટે વનવિભાગે ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવ્યો છે અને મંજૂરી મળ્યા બાદ તુરંત જ આ સિંહોને કોર્ડન કરી અન્ય સલામત સ્થળે ખસેડી લેવાશે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296440

No comments: