Thursday, June 23, 2011

સાવરકુંડલામાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો.


Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 12:06 AM [IST](22/06/2011)
 - દીપડાને આજીવન સક્કરબાગઝુમાં રખાશે
સાવરકુંડલાની સીમમાં બે દિવસ પહેલા આદિવાસી બાળકને ફાડી ખાનાર દીપડો આખરે આજે વહેલી સવારે પાંજરામાં સપડાઈ ગયો હતો. આ માનવભક્ષી દીપડાને હવે આજીવન સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવશે.
માનવભક્ષી દીપડો આખરે પાંજરામાં કેદ થઈ ગયો છે. આ દીપડાને લઈને સાવરકુંડલા તથા આજુબાજુનાં વિસ્તારમાં પાછલા ૪૮ કલાકમાં ભારે ભયનો માહોલ હતો. માણસનો હત્યારો દીપડો આઝાદ ઘુમતો હોય સીમ વિસ્તારમાં કામ કરતા લોકો રાત્રે વાડી ખેતરમાં જવાનુ કે ખુલ્લામાં સુવાનું ટાળતા હતાં. ભયનું સામ્રાજ્ય ખડુ કરનાર ખૂંખાર દીપડો આજે વહેલી સવારે આખરે પાંજરે પુરાઈ ગયો હતો.
બે દિવસ પહેલા સાવરકુંડલાથી ત્રણેક કીમી દૂર ગોવિંદભાઈ વલ્લભભાઈ નાકરાણીની વાડીમાં ખેતીકામ કરતા બાબુભાઈ મસારનાં દસ વર્ષના પુત્ર કલ્પેશને દીપડાએ ફાડી ખાદ્યો હતો. આ દીપડાને પકડવા માટે જંગલખાતા દ્વારા અહીં સીમમાં ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા હતાં.
આગલી રાત્રે આ દીપડો પાંજરા પાસે આવ્યો હતો. પરંતુ ફરતા ચક્કર લગાવી નાસી ગયો હતો. પરંતુ આજે વહેલી સવારે પેટની ભૂખ ભાંગવાના પ્રયાસમાં તે પાંજરામાં સપડાઈ ગયો હતો. આ દીપડાને હાલમાં જસાધારના એનીમલ કેર સેન્ટરમાં લઈ જવાયો હતો. ત્યાંથી તેને સક્કરબાગ ઝુમાં ખસેડવામાં આવશે.
મૃતકના પરિવારને દોઢ લાખની સહાય -
ઐસીયત રીયાણી સાવરકુંડલાના આરએફઓ સી.બી.ડાડીયા દ્વારા ગત રાત્રે જ સરકાર તરફથી રૂ.દોઢ લાખની સહાયથી રકમનો ચેક મૃતક બાળક પરિવારને આપવામાં આવ્યો હતો. આ તકે મોટા જીંજુડાના સરપંચ પ્રાગજીભાઈ કેશુભાઈ, જયસુખભાઈ નાકરાણી, બળવંતભાઈ મહેતા વગેરે હાજર રહ્યાં હતાં.

No comments: