Friday, June 24, 2011

કૂવામાં ખાબકેલું કિડીખાઉં બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન.


જૂનાગઢ તા.૨૧
સામાન્ય રીતે સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓ કૂવામાં ખાબકતા હોય છે. અને રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેને બહાર કાઢવામાં આવતા હોય છે. પરંતુ તાજેતરમાં જ વનવિભાગ દ્વારા કિડીખાંઉનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. કૂવામાં પડી ગયેલા પેંગોલીયનને બચાવવા માટે કદાચ પ્રથમ વખત જ આવું ઓપરેશન કરાયું છે.
  • ત્રણ વર્ષનું પેંગોલીયન થાંભલા ફરતે વિંટળાઈ જતા બચી ગયું
ગિર અભયારણ્યના હેડક્વાટર સાસણથી આઠ કિ.મી. દૂર સુરજગઢ ગામની સીમમાં એક ખેતરના પાણી ભરેલા કૂવામાં ત્રણેક વર્ષનું કિડીખાંઉ પડી ગયું હતું. સામાન્ય રીતે કિડીખાંઉ પાણીમાં રહી શકતું નથી.
પરંતુ કૂવામાં મોટર માટેના થાંભલા ફરતે વિંટળાઈને આ પ્રાણી બચી ગયું હતું. દરમિયાનમાં ગ્રામજનોએ પ્રથમ તો મગર સમજીને કૂવામાં મગર પડી હોવા અંગે વનવિભાગને જાણ કરી હતી.સાસણ ડી.સી.એફ. ડો.સંદિપકુમારના માર્ગદર્શન હેઠળ ડો.હિરપરા અને ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ કરતા કૂવામાં પડેલ પ્રાણી કિડીખાંઉ હોવાનું બહાર આવ્યું હતું. વનવિભાગે તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કૂવામાં નેટ નાખીને ત્રણ ફૂટ લાંબા અને સાડા સાત કિલો વજન ધરાવતા કિડીખાંઉને બહાર કાઢયું હતું. તથા સાસણ એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડયું હતું. સામાન્ય રીતે અન્ય પ્રાણીઓના રેસ્ક્યૂ ઓપરેશન ઘણી વખત થતા હોય છે. પરંતુ કિડીખાંઉનું રેસ્ક્યૂ ઓપરેશન પ્રથમ વખત જ કરવામાં આવ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=301007

No comments: