Thursday, June 9, 2011

૧૦૫ દીપડાઓ રેવન્યુ વિસ્તારમાં.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:23 AM [IST](07/06/2011)
પાછલા એક દાયકામાં માણસ અને દીપડા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી છે તે નિવારવા વનતંત્રએ સચોટ ઉપાય શોધવો પડશે
અમરેલી જિલ્લામાં દીપડાઓની સંખ્યા ફુંલીફાલી છે. પાંચ વર્ષમાં જિલ્લામાં દીપડાની સંખ્યા ૯૯ થી વધી ૧૦૫ સુધી પહોંચી ગઇ છે. આમ જિલ્લામાં દીપડાની સંખ્યામાં છનો વધારો થયો છે. દીપડાની વસતિમાં વધારો આ આંકડો થોડો નાનો જરૂર છે પરંતુ સમગ્ર રાજ્યમાં જેટલા દીપડા છે તેના ૯.૦૫ ટકા દીપડા એકલા અમરેલી જિલ્લામાં વસે છે.
સમગ્ર રાજ્યમાં દીપડાની સંખ્યા ૧૧૬૦ પર પહોંચી છે તે પૈકી ૧૦૫ દીપડા અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે. તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલી દીપડાની વસતિ ગણતરી દરમિયાન આ આંકડા બહાર આવ્યા છે.
અમરેલી જિલ્લામાં આ તમામ દીપડા જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે.વર્ષ ૨૦૦૫માં જ્યારે દીપડાની વસતિ ગણતરી કરવામાં આવી ત્યારે ૯૯ દીપડા નોંધાયા હતા. આટલા વર્ષોમાં તેમાં છ દીપડાનો ઉમેરો થયો છે. ગીર જંગલમાં અને કાંઠામાં વસતાઓ દીપડાઓ અંદર બહાર અવર-જવર કરતા રહે છે. જંગલની બહાર રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા પંથકમાં દીપડાઓ પોતાનો વ્યાપ વધારતા જઇ રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં જેટલા દીપડા છે તેના ૯.૦૫ ટકા એકલા અમરેલી જિલ્લામાં વસે છે. અમરેલી જિલ્લા કરતા માત્ર જૂનાગઢ અને દાહોદ જિલ્લામાં જ દીપડાની સંખ્યા વધુ જોવા મળે છે. ગીર કાંઠાનો જિલ્લો હોવાના કારણે દીપડાઓને અહીં વસવાટ માટે સાનુકુળ વાતાવરણ મળ્યુ છે. વળી અહિં માલધારીઓના માલઢોર ઉપરાંત નિલગાય, હરણ, જંગલી ભૂંડ સહીતનાં વન્ય પ્રાણીઓનો શિકાર પણ તેમને મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં પાછલા એક દાયકામાં માણસ અને દીપડા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ વધી છે. દીપડાની વધતી વસતિ આના માટે જવાબદાર છે. વનતંત્રએ આ ઘર્ષણ નિવારતા આગામી દિવસોમાં સચોટ ઉપાય શોધવો પડશે.
સૌથી વધુ દીપડા ધારી અને ખાંભામાં –
જિલ્લામાં દીપડાની સૌથી વધુ સંખ્યા ધારી અને ખાંભા તાલુકામાં નોંધાઇ છે. એક ભારી તથા આજુબાજુના વિસ્તારમાં જ પંદરથી વધુ દીપડા હોવાનુ કહેવાય છે. ખાંભા તાલુકો પણ ગીર કાંઠાને અડીને આવેલો હોય દીપડાને ઉચિત પ્રાકૃતિક આવાસ મળી રહ્યું છે.
ગણતરીમાં દીપડા ભાગ્યે જ નજરે પડ્યા –
વનનંત્ર દ્વારા દીપડાની ગણતરી કરાઇ ત્યારે ભાગ્યે જ દીપડાઓ નજરે પડ્યા હતા. ધારગણીમાં એક દીપડી બે બચ્ચા સાથે નજરે પડી હતી. ખાંભા નજીક એક દીપડો ઝાડ પર ચડેલો નજરે પડયો હતો મોટા ભાગના દીપડાની ગણતરી તેમના ફૂટમાર્ક અવાજ અને લોકો દ્વારા અપાયેલી માહિતીના આધારે કરાઇ હતી.

No comments: