Source: Bhaskar News, Talala | Last Updated 12:37 AM [IST](13/06/2011)

તાલાલા તાલુકાના સાંગોદ્રા ગીર ગામના ગરીબ શ્રમજીવી દેવીપૂજકનાં ઝૂંપડાં ઉપર શનીવારે રાત્રે દીપડાએ હુમલો કરી આ પરીવારનાં ૧૧ બકરા તથા એક ઘેટા સહિત ૧ર દુધાળા પશુના મારણ કરી જતા દેવીપૂજક પરીવાર આજીવીકા વિહોણા થઇ ગયો છે.
તાલાલા પંથકમાં હાહાકાર મચાવનાર આ બનાવની વિગત એવી છે કે સાંગોદ્રા ગીર ગામ પાસે ઝુંપડંુ બાંધી વર્ષોથી મજૂરીકામ કરી પેટીયુ રળતા લાખાભાઇ ઉકાભાઇના પરીવારને મજૂરી ઉપરાંત આજીવીકા માટે દુધાળા પશુ પાળ્યાછે. એક ઝુપડામાં પરીવાર રહે છે.જ્યારે બીજા ઝુપડામાં રાત્રે બકરા બાંધ્યા હતા. ત્યારે શનીવારે રાત્રે ઝુપડાની છત ઉપર બાકોરૂ પાડી દીપડો ઝુપડામાં ઘુસી ૧૧ બકરા અને એક ઘેટાનો શિકાર કરી મારણની મજિબાની માણી રાતભર ઝુપડા બહાર બેઠો હતો.
સવારે શ્રમજીવી પરીવાર જાગ્યો અને દીપડાને જોયો ત્યારે ખબર પડતા આ બનાવની જાણ ગામમાં કરતા લોકો દોડી આવ્યા હતા. હિંસક દીપડાના આંતકે ગરીબ પરીવારને દયાજનક સ્થિતિમાં મુકી દીધો હોય ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. હિંસક દીપડો કોળીયો કરી ગયેલ ૧ર દુધાળા પશુની કિંમત ૪૫ થી ૫૦ હજાર જેટલી થાય છે. આ બનાવની જાણ કરતા તાલાલાથી જંગલખાતાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ દીપડો ઘણાં સમયથી ગામની સીમમાં આંટા ફેરા કરે છે. તેમ ગામલોકોએ જણાવ્યુ હતું. અવાર-નવાર દેખા દેતા દીપડાને તાકિદે પાંજરે પૂરવાની વનતંત્ર સમક્ષ ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-attack-on-11-goats-in-gir-2182364.html
No comments:
Post a Comment