Tuesday, March 9, 2010

સિંહોની ગણતરી માટે જીપીએસ સિસ્ટમ.

Bhaskar News, Talala

ગીર પંથકમાં વિહરતા એશીયાટીક સિંહોની ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. ૨૦૦૫માં થયેલી ગણતરીમાં ૩૫૯ સિંહોની નોંધ થઈ હતી. જયારે આગામી એપ્રિલમાં થનારી ગણતરીમાં સિંહોની સંખ્યામાં ૧૫ ટકા જેટલો વધારો થવાની સંભાવના સાથે સિંહોની સંખ્યા ૪૦૦ ઉપર પહોંચવાનો પ્રાથમિક અંદાજ છે.

ત્રણ દિવસ ચાલનારી આ ગણતરીનું જટીલ કામ ચોકસાઈ સાથે સંપન્ના થાય તે માટે જી.પી.એસ.સીસ્ટમનો ઉપયોગ કરાશે. આ માટેની તાલિમ પણ કર્મચારીઓને અપાઈ રહી છે. હાલ વનવિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.ચાલુ વર્ષે થનારી ગણતરીમાં જૂની પઘ્ધતિ ઉપરાંત નવી ટેકનોલોજી જીપીએસ સીસ્ટમ સાથે સિંહના ડાયોગ્રામ નાં માઘ્યમથી ગણતરી કરાશે. જેના લીધે સિંહોની ચોક્કસ સંખ્યા અને વિસ્તાર માલુમ પડશે. હાલ વનવિભાગ દ્વારા ગીર જંગલ અને જંગલની બોર્ડરના રેવન્યુ વિસ્તારો કે જયાં સિંહોની અવર જવર વધુ રહેલી હોય તેવા પોઈન્ટ ઉપર પાણીના અવેડા, કુંડીના સિંહો માટે પાણી પીવાના પોઈન્ટ બનાવી પાણીનો પોઈન્ટ ચોખ્ખો દેખાય તેવા સ્થળોએ ૮ થી ૧૦ ફુટ ઉચા માંડવા બનાવવામાં આવશે. ગણતરી માટે જનારા વન વિભાગના સ્ટાફને દુરબીનનો ઉપયોગ કરવાની અને ફોટો પાડવા માટેની જરૂરી તાલીમ અપાઈ રહી છે. સાથે નવી કોમ્પ્યુટર ટેકનોલોજીથી લોકેશન શોધવા અને ગણતરી કરવા જીપીએસ સિસ્ટમ ઓપરેટ કરી શકે તે માટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. પાંચ વર્ષ બાદ થનારી સિંહોની ગણતરી પૂર્વે પ્રાથમિક અનુમાનમાં સિંહોની સંખ્યામાં વધારો થવાના સમાચારથી વન્ય પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

રેવન્યુ વિસ્તારોમાં વધુ ચોકસાઈથી ગણતરી કરાશે

જંગલ વિસ્તારમાં ફરતા સિંહો ઉપરાંત નજીકનાં ગ્રામ્ય પંથકોની બોર્ડર ઉપરના રેવન્યુ વિસ્તારોમાં ઘણા સમયથી સિંહો ધામા નાંખી પશુઓનું મારણ કરતા હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં સિંહોએ કરેલા મારણની વિગતો એકઠી કરી તે વિસ્તારોમાં છેલ્લા આઠ માસથી વનવિભાગ સિંહોની અવરજવરનું અવલોકન કરી રહ્યું છે. જંગલ ઉપરાંત રેવન્યુમાં ફરતા સિંહોની ચોકકસાઈથી ગણતરી કરવા વિશેષ આયોજન હોવાનું ગિરનારનાં ઈન્ચાર્જ ડીએફઓ મીત્રીએ જણાવ્યું છે.

કયા કયા વિસ્તારોમાં ગણતરી થશે? ગીર પશ્વિમ વિસ્તાર હેઠળની નવ રેન્જ, તાલાલા, સાસણ, દેવડીયા, વિસાવદર, મેંદરડા, આંકોલવાડી, જામવાળા, છોડવડી, બાબરીયા રેન્જનાં જંગલ વિસ્તાર તેમજ આરક્ષીત ગીર નેશનલ પાર્કના સાગી જંગલના ૨૫૬ ચો સ્કેવર કી.મી.નો વિસ્તાર સાથે ગીર પૂર્વે ડીવીઝનની સાત રેન્જ જશાધાર, તુલશીશ્યામ, સાવરકુંડલા, હડાળા, સરસીયા, દલખાણીયા, પાણીયા, રેન્જની જંગલ વિસ્તાર અને ગીરનારના જંગલ વિસ્તાર, કોડીનાર તાલુકાના છારા ગામ સુધીનો દરીયાકાંઠાનો વિસ્તાર ઉપરાંત ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં શેત્રુજી નદીનો કાઠો અને શેત્રુજી ડુંગરના વિસ્તારમાં સિંહો વિચરતા હોય આ દરેક વિસ્તારોમાં સિંહોની ગણતરી કરવા ૧૦૦૦ થી વધુ માંડવા ઉભા કરાશે.

કેવી રીતે થશે ગણતરી? સિંહોની અવર જવર વાળા વિસ્તારોમાં અવેડા, કુંડી, તળાવ, નદી જેવા પાણીના સ્થળોએ સિંહોના પાણી પીવાના પોઈન્ટ બનાવી ગણતરી માટે વહેલી સવારે પાંચ વાગ્યે સુર્યોદય પહેલા ગણતરી માટેનો સ્ટાફ પોઈન્ટ ઉપર પહોંચી જાય છે. અને સિંહો પાણી પીવા આવે ત્યારે તેમની સંખ્યા, કેટલાનું ગૃપ છે. નર છે કે માદા બરચા કેટલા..? સિંહોના શરીરે કોઈ નિશાન, ઘાવ, કે ડાઘ હોય તો તે સિંહાના ડાયોગ્રામમા ટપકાવવાના તેમજ સિંહોનું પાણી પીતી વખતેની સ્થિતિનું અવલોકન કરી પોઈન્ટ ઉપરથી સિંહો કઈ દિશા તરફ જાય છે. તેનું નીરક્ષણ કરવામાં આવે છે. ઘણા સિંહો પાણી પીવા પોઈન્ટ ઉપર આવ્યા ન હોય તો તેના અવર જવર વાળા વિસ્તારોમાં જી.પી.એસ. સિસ્ટમની મદદથી તેમનું લોકેશન જણાવી ગણતરી થશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/09/100309022629_lion_census_from_next_month.html

No comments: