Wednesday, March 31, 2010

ગિર જંગલમાં પ્રાણીઓની તરસ છીપાવવા માટે દોડાવાતા ટેન્કરો.

રાજકોટ તા.૩૦ :

ગત વર્ષનાં પ્રમાણમાં આ વર્ષે સોરઠમાં થયેલા અપુરતા વરસાદના કારણે જંગલમાં વસતા પ્રાણીઓને પાણીની શોધમાં ભટકવુ ન પડે તે માટે વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારની સળંગ સરહદ ઉપર કુંડ મુકીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાસણના વન અધિકારી અપારનાથીએ આપેલી વિગતો મુજબ, ગિરજંગલની સળંગ સરહદ ઉપર એક થી દોઢ કિ.મી. ના અંતરે આવા ૬૦ જેટલા પાણીના કુંડ મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે વનતંત્ર દ્વારા આવી વ્યવસ્થા ફેબ્રુઆરીથી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિકટ સ્થિતિ ધ્યાનમાં લઈ ડિસેમ્બરથી જ આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જંગલ વિસ્તારના બોરદેવીથી રામનાથ વચ્ચે નદીઓના હજુ પાણી છે. પરંતુ જંગલના બાઉન્ડ્રી વિસ્તારમાં ૭ વધુ ગંભીર સ્થિતિ હોય એકાંતરા ટેન્કરો મારફત કુંડમાં પાણી ઠલવવામા આવે છે. વનખાતા દ્વારા બે અલગ અલગ પ્રકારના કુંડ મુકવામાં આવ્યા છે. જેમાં રકાબી આકારના કુંડમાં એક હજાર લીટર પાણી ભરાઈ શકે છે. આ કુંડમાંથી નાના પ્રાણીઓ પાણી પી શકે તેવી વ્યવસ્થા છે. જયારે અવેડા પ્રકારના કુંડમાં ત્રણ હજાર લીટર પાણી સમાઈ શકે છે જેમાં નિલગાય, હરણ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓ પાણી પી શકે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173336

No comments: