Saturday, March 6, 2010

શિકારની શોધમાં નીકળેલી દીપડી ખુલ્લા કૂવામાં ખાબકી

Saturday, Feb 27th, 2010, 3:45 am [IST]
Bhaskar News, Amreli amrel
ગીર પૂર્વની જસાધાર રેન્જમાં ગીરગઢડા નજીક એક દીપડી રાત્રે શિકારની શોધમાં નીકળી હતી ત્યારે અકસ્માતે કૂવામાં પડી જતાં વન વિભાગની રેસ્કયુ ટીમે મહામહેનતે આ દીપડીને કૂવામાંથી બહાર કાઢી પાંજરે પૂરી છે. ગીર પૂર્વ વિભાગમાં એક જ દિવસમાં એક દીપડો અને એક દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે.

ગુરુવારે રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાં બાર દિવસની લાંબી જહેમતના અંતે એક દીપડો પાંજરે પૂરાયા બાદ જસાધાર રેન્જમાં ગીરગઢડાની સીમમાં એક વાડીમાંથી દીપડીને પણ પાંજરે પૂરાઇ છે. જંગલ ખાતાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, સીમમાં જેઠાભાઇ ભગાભાઇ વાઢેરની વાડીમાં ગઇરાત્રે આશરે બે વર્ષની ઉમરની એક દીપડી શિકારે નીકળી હતી.

પરંતુ, તે અકસ્માતે કૂવામાં ખાબકી હતી. સવારે જયારે વાડી માલિક વાડીએ આવ્યા ત્યારે તેમને દીપડી કૂવામાં હોવાની જાણ થઇ હતી. આ બારામાં જંગલ ખાતાને જાણ કરવામાં આવતા રેસ્કયુ ટીમના ડીએફઓ મિસ્ત્રીએ ખાસ ટીમ દોડાવી હતી.

આરએફઓ મુલાણી પણ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતા. કૂવામાં ખાટલો અને કાંઠે પાંજરું રાખી આ દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી. ત્યાં સુધી પાણીમાં અને કૂવાની ભેખડ પર રહી દીપડીએ પોતાનો જીવ બચાવ્યો હતો. દીપડીને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાઇ છે. જયાં તેનું મેડિકલ ચેકઅપ કરાશે બાદમાં ફરી તેને જંગલમાં મૂક્ત કરી દેવાશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/27/100227033936_lepord_fall_in_well.html

No comments: