Wednesday, March 31, 2010

બાળકીને દીપડાએ ફાડી ખાધી.

Tuesday, Mar 30th, 2010, 3:55 am [IST]
Bhaskar News, Amreli

ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં કૂવો ગાળવાની મજૂરી કામ કરતો રાજસ્થાની પરિવાર વાડીનાં ઝૂંપડામાં સૂતો હતો ત્યારે વહેલી સવારે ત્રાટકેલો દીપડો ઝૂંપડામાંથી આઠ વર્ષની બાળકીને ઉપાડીને ભાગી ગયો હતો. જાગી ગયેલા મજૂર પરિવારે શોધખોળ કરતા ૩૦૦ મીટર દૂર આંબાવાડીમાં દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી ભાડ તથા આજુબાજુના ગામોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં વનતંત્રના ઉરચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.

અમરેલી પંથકમાં વધુ એક દીપડો માનવભક્ષી બનીને સામે આવ્યો છે. આ વખતે ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં બાળકી ભોગ બની છે. રાજસ્થાનનાં ભીલવાગ જિલ્લાનાં આશન તાલુકામાં રહેતો ભવરસિંહ મોરસિંહ ચૌહાણ હાલમાં પોતાનાં પરિવાર સાથે ભાડ ગામના પટેલ મનુભાઇ કેશુભાઇ સોરિઠયાની વાડીમાં રહે છે અને કૂવો ગાળવાની મજૂરી કરે છે.

રાત્રે ઝૂંપડામાં તેનો પરિવાર સૂતો હતો ત્યારે ચોરી છૂપીથી દીપડો અંદર પ્રવેશ્યો હતો. રાત્રે સાડા ત્રણેક વાગ્યાનાં સુમારે દીપડો ભવરસિંહની આઠ વર્ષની પુત્રી લહેરીને ગળામાંથી પકડી નાસ્યો હતો. બાજુમાં સૂતેલી લહેરીની માતા અને નાની બહેન જાગી જતાં અને દીપડો આ બાળાને ઉપાડી ગયાની જાણ થતાં દેકારો બોલી ગયો હતો.

રાત્રે જ બેટરીના પ્રકાશમાં શોધખોળ હાથ ધરાતા આ વાડીથી ૩૦૦ મીટર દૂર આવેલી ઇંગોરાળા ગામના જગાભાઇ દુર્લભજીભાઇ તંતીની વાડીમાંથી બાળાની લાશ મળી આવી હતી. દીપડો આ લાશને ખાતો હતો પરંતુ લોકોને જોઇ નાસી છૂટયો હતો.

શ્વાસ નળી કપાઇ જતાં મોત થયું
પોતાની દીકરીની અર્ધ ખવાયેલી લાશ જોઇ લહેરીના મા-બાપ કાળો કલ્પાંત કરી મૂકયો હતો. બનાવની જાણ થતાં ખાંભાના આરએફઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાગળો કરી બાળાની લાશને પોસ્ટ મોટર્મ માટે ખાંભા દવાખાને ખેસેડી હતી. બાળાનું મોત શ્વાસનળી કપાઇ જવાનાં કારણે થયાનું જાહેર થયું હતું. ધારીના ડીએફઓ મુનિશ્વર રાજા પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં.

નરભક્ષી દીપડાને પકડવા પાંજરું મૂકાયું
ભાડની સીમમાં માનવ લોહી ચાખી ગયેલો દીપડો એ ગમે ત્યારે ગમે તે માણસ પર હુમલો કરે તેવી ભીતિ હોય ભાડ અને આજુબાજુનાં ગામ લોકોમાં ચિંતાનું મોજું વળ્યું છે. ગામ લોકોની માગણી અનુસાર આ દીપડાને પકડવા માટે જંગલખાતા દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/30/leopard-kills-child.html

No comments: