Saturday, March 6, 2010

હાલરિયા ગામની સીમમાં યુવાન પર સાવજ ત્રાટક્યો.

Monday, Mar 1st, 2010, 3:46 am [IST]
Bhaskar News, Amreli
નાગેશ્રીમાં ગઇકાલે યુવાન પર સિંહે હુમલો કર્યાની ઘટના તાજી છે ત્યાં આજે બગસરા તાબાના હાલરિયા ગામની સીમમાં રબારી યુવાન પર એક સિંહે હુમલો કરી ઇજા પહોંચાડતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

સિંહ દ્વારા માણસ પર હુમલાના બનાવો અમરેલી પંથકમાં હવે વધતા જ જાય છે. રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા સતત વૃઘ્ધિ પામતી જતી હોવાથી માણસો સાથે તેનો સામનો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના આજે બગસરા તાલુકાનાં હાલરિયા ગામની સીમમાં બની હતી.

જયાં એક કાઠી ખેડૂતની વાડીમાં જામનગર પંથકના માલધારી આલાભાઇ રાયમલભાઇ પોતાનાં માલઢોર લઇને ઉતર્યા હતા. ધેટા-બકરા આજુબાજુ ચરતા હતાં ત્યારે આલાભાઇએ ખેતરમાં જ લંબાવ્યુ હતું. આ વખતે અચાનક કયાંકથી ચડી આવેલા એક સિંહે ધેટાં બકરા પર હુમલો કર્યો હતો.

સિંહે બકરાં અને એક ધેટાંને મારી નાખ્યું હતું. આ સમયે આલાભાઇ જાગી જતાં તેમણે પોતાના માલઢોર પર હુમલો થયેલો જોઇ તુરંત સિંહને હાંકલા પડકારા શરૂ કર્યા હતાં. જેથી ઉશ્કેરાયેલા સિંહે ધેટાં-બકરાંને પડતા મૂકી સીધો જ આલાભાઇ રબારી પર હુમલો કર્યો હતો.

સિંહે તેનો હાથ મોઢામાં લઇ બટકું ભરી લીધું હતું. તેમણે દેકારો કરી મૂકતા આજુબાજુનાં કામ કરતા લોકો પણ દોડી આવ્યા જેથી સિંહ તેમને પડતા મૂકી નાસી છૂટ્યો હતો. તેમને સારવાર માટે પ્રથમ બગસરા દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

જયાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં રિફર કરવામાં આવેલ છે. પોલીસ સ્ટાફ સ્થળ પર આવી કાર્યવાહી હાથધરી હતી.

અમરેલી પંથકમાં છ માસમાં દીપડા સિંહના ૧૪ હુમલા

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ-દીપડા મોટી સંખ્યામાં વસતા હોવાથી માણસ અને સિંહ-દીપડાની ટક્કર વધી પડી છે. પાછલા છ-સાત માસમાં એકલા અમરેલી પંથકમાં જ સિંહ-દીપડા દ્વારા માણસ પર હુમલાની ૧૪ ઘટના બની છે.

જેમાં ૧૪ વ્યક્તિ ઘાયલ થઇ છે જયારે એક બાળકીનું મોત થયું હતું. થોડા મહિના પહેલા સાવરકુંડલા રેન્જમાં સિંહે એક બાળકીને ફાડી ખાધી હતી. જેના માત્ર અવશેષ મળ્યા હતા. જંગલખાતા દ્વારા તેના પરિવારજનોને એક લાખનું વળતર ચૂકવાયું હતું.

એકાદ માસ પહેલાં ચલાલાના ઝરમાં બીમાર સિંહે ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધા હતા. બગસરાના ઝાંઝરિયામાં મુસ્લિમ યુવાન પર સિંહે હુમલો કરતા તેમને સારવાર માટે રાજકોટ ખસેડવા પડ્યા હતા. બગસરાના જ ઘંટિયાણમાં પણ પટેલ યુવાન પર સિંહે હુમલો કર્યો હતો.

ચલાલા તાબાના નાના સમઢિયાળા અને દિતણની સીમમાં બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જયારે ધારીના કાંગસમાં છ વર્ષની બાળા પર દીપડાએ હુમલો કરતા સારવાર માટે દવાખાને ખસેડવી પડી હતી. આ ઘટના ગત ભાદરવા માસમાં બની હતી.

કાંગસામાં જ ત્રણેક માસ પહેલાં દીપડાએ કોળી મહિલા પર હુમલો કર્યો હતો. ચાલાલાના મોરઝરમાં વાડીમાં એક બળદ પર ચારેક માસ પહેલાં દીપડાએ હુમલો કર્યો હતો. જયારે ધારીના મોણવેલમાં પાંચ માસ પહેલાં દીપડાએ હુમલો કરી દેવીપૂજક યુવાનને ઘાયલ કર્યા હતા.

જયારે ડાંગાવદરના ભરડ ગામ વચ્ચે એક આહીર પ્રૌઢ પર સિંહે હુમલો કર્યો હતો. ધારીની વીરપુરની સીમમાં અમરેલીના હરિજન યુવાન પર પણ સિંહ દ્વારા હુમલાની ઘટના બની હતી. જયારે પાછલા ૪૮ કલાકમાં નાગેશ્રીએ ચાર સિંહના ઝૂંડે યુવાન પર અને હાલરિયામાં રબારી યુવાન પર તો ઓળિયામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યાના બનાવ બન્યા છે.

આમ સિંહ-દીપડાની વસ્તી રેવન્યુ વિસ્તાર તરફ આગળ વધતી રહેશે તો માણસ પર હુમલાની ઘટનાઓ રોજિંદી બની જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાણી છે.

ગીર કાંઠાના દવાખાનાઓમાં ઇન્જેકશન નથી

ગીર કાંઠાના અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ દ્વારા હુમલાની ઘટના સતત બનતી રહે છે. ઘાયલોને આપવા માટે આજુબાજુનાં દવાખાનાઓમાં લઇ જવામાં આવે છે પરંતુ હડકવા વિરોધી અને અન્ય ઇન્જેકશંનો પૂરતા પ્રમાણમાં ન હોય ઘાયલોને સારવાર માટે અમરેલી સિવીલમાં રિફર કરવા પડે છે. ધારીના પ્રકત્તિપ્રેમી હસુમખ દવેએ જિલ્લાના તમામ દવાખાનામાં હડકવા વિરોધી રસી ફાળવવામાં આવે તેવી માગ ઉઠાવી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301033201_lion_attack_on_youngman.html

No comments: