Thursday, March 11, 2010

ખડિયામાં લોકોને બટકા ભરતો તોફાની વાનર પાંજરે પૂરાયો.

જૂનાગઢ તા.૧૦ :

જૂનાગઢ પાસેના ખડિયા આસપાસ લોકોને બચકા ભરી કેર વર્તાવનાર વાંદરો પાંજરે પુરાયા બાદ સ્થાનિક પશુ-પક્ષી પ્રાણી કલ્યાણ મંડળ સંસ્થાએ તેને સક્કરબાગ ઝુ ખાતે મોકલી આપવા રજુઆત કરતા ઝુ અધિકારીઓએ આ મામલો વન વિભાગના નોર્મલ ડિવિઝન હેઠળ હોવાનું જણાવી કાયદેસર કાર્યવાહી બાદ ઝુ દ્વારા વાંદરાને સ્વીકારી શકાય તેમ જણાવતા તોફાની વાનર પ્રશ્ને સ્થાનિક સંસ્થા અવઢવમાં આવી જવા પામી છે.

વર્ષ ર૦૦૮ દરમિયાન જૂનાગઢ પાસેના ખડીયા ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં લોકોને બચકા ભરી તોફાને ચઢેલ લાંબા મોઢાવાળો એક વાનર ઈજાગ્રસ્ત થતા ડુંગરપુરની પશુ-પક્ષી પ્રાણી કલ્યાણ મંડળ સંસ્થામાં તેને સારવાર માટે લવાયો હતો. ત્યારબાદ આ સંસ્થાએ નાયબ વનસંરક્ષક જૂનાગઢ અને સક્કરબાગ ઝુ ને લેખિત રજુઆત કરી આ વાનરને લઈ જવા જણાવેલ પરંતુ દોઢ વર્ષ સુધી આ અંગે કોઈ કાર્યવાહી ન થવા પામતા

વાનર ડુંગરપુર ખાતેની સ્થાનિક સંસ્થામાં જ પાંજરામાં રખાયો હતો.દરમિયાનમાં થોડા દિવસ પહેલા આ વાનરે પાંજરામાંથી છુટી નાસી જઈ ફરીથી લોકોને બચકા ભરવાનું શરૃ કરી પાંચ વ્યકિતઓને કરડી લીધા બાદમાં તેને ફરીથી પાંજરે પુરી સ્થાનિક સંસ્થામાં રાખવામાં આવેલ. જે અંગે સ્થાનિક સંસ્થાના પ્રમુખ આર.જે.અપારનાથીએ વનવિભાગને સકક્રબાગ ઝુ ને રજુઆત કરી વાનરને સોંપવા તજવીજ હાથ ધરી હતી અને તેમની રજુઆતના પગલે વનવિભાગે દીપડો પકડવાના પાંજરા સાથે મજૂરોને મોકલી આપેલ. જેનો સંસ્થાએ વિરોધ કરી રેસ્કયુ ટીમ દ્વારા વાનરને સક્કરબાગ ઝૂ માં લઈ જવામાં આવે તેમ આગ્રહ રાખ્યો હતો. સામા પક્ષે સક્કરબાગ ઝૂ સુપ્રિટેન્ડેન્ટ વી.જે.રાણાએ આ મામલો વનવિભાગની નોર્મલ ડિવીઝન અંતર્ગતનો હોય કાયદેસરની કાર્યવાહી બાદ જ ઝુ દ્વારા વાનરને સ્વીકારી શકાય તેમ જણાવ્યુ હતું.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166998

No comments: