Saturday, March 6, 2010

જંગલમાં ‘ભીમ, અર્જુન’ સાથે રહે છે અને ફૂલનદેવી ફરે છે.

Monday, Mar 1st, 2010, 3:30 am [IST]
Dilip Raval, Amreli

ગીર જંગલ પર જેની હાક વાગે છે તે ડાલા મથ્થાઓને સ્થળ કાળના કોઇ બંધન નથી. હવા પાણી પર પણ અન્ય પ્રાણીઓ જેટલો જ તેનો કબજો છે. માણસની જેમ નામનો તેને કોઇ મોહ નથી. પરસ્પર એકબીજાને તેઓ નામથી નહીં રંગ અને ગંધથી ઓળખે છે.

આમ છતાં તેમને જાણીને નવાઇ લાગશે કે જંગલના ઘણા ખરા સિંહો નામથી ઓળખાય છે. સ્થાનિક ગ્રામીણ પ્રજા અને જંગલ ખાતાના સ્ટાફ દ્વારા સિંહ સિંહણના વર્તન, દેખાવ, હાવભાવ, ઉમર વગેરેને ઘ્યાનમાં રાખી નામ પાડવામાં આવે છે.

એટલું જ નહીં પોતાના નામનો પોકાર પડે તો સિંહને ખબર પણ પડે છે. સિંહની ટોળકીના પણ નામ પડે છે અને નામની આ પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવે છે. બાંડી, ઝાબો, કાળિયો, એકલમલ, તાડકા, બુઢ્ઢો, સુબાહુ, રામદાસ, ટી લિયો, પંચાનંદ વગેરે ગીર જંગલના સિંહ સિંહણોના નામ છે.

સાવજો પોતાનો ઇલાકો સ્થાયી મહદ અંશે તે વિસ્તારમાં જ રહેતા હોય સ્થાનિક લોકો સાવજોના નામ પાડી દે છે અને પછી સાવજને તે નામે જ ઓળખે છે. સિંહ સિંહણોના આ નામ પાછળની અજીબ કહાની છે. સાયનેસ પાસે એક સિંહ આંટા મારે છે જેને એકલા જ રહેવું ગમે છે.

માલધારીઓ અને જંગલખાતુ તેને ‘એકલમલ’ કહે છે. બે માલધારીઓ એક બીજાને સામા મળે અને આગળ એકલમલ બેઠો છે ઘ્યાન રાખજે તેમ કહે તો બહારના લોકોને કશી ખબર ન પડે પણ માલધારી બધુ સમજી જાય. જંગલ ખાતાનો સ્ટાફ પણ માલધારીઓ સાથે રોજીંદી ભાષામાં સિંહોનું લોકેશન મેળવવા આવા નામોનો જ સહારો લે છે.

સાયનેસ પાસે એક અતિ વિકરાળ કાયા ધરાવતા સિંહનું નામ ‘બુઢ્ઢો’ પડી ગયું છે. લોકોએ આ નામ તેની ઉંમરને ઘ્યાનમાં રાખીને આપ્યું છે. જયારે ધારી તાલુકાના મોણવેલ ગામની ગામની સીમમાં એક સાવજનું નામ ઝાથો ઉર્ફે ઝાબલો રખાયું છે. જેની ઉમર પંદરેક વર્ષની છે. જયારે જંગલમાં એક કદાવર સિંહણનું પૂછડું થોડુ કપાયેલું હોય ‘બાંડી’ તરીકે ઓળખાય છે.

તુલસીશ્યામથી થોડે દૂર જેનગરના જંગલમાં એક સિંહણનું નામ ‘ફૂલનદેવી’ રખાયું હતું. કોઇને જોતા વેંત જ આ સિંહણ અત્યંત આક્રમક બની જતી હતી અને પૂછડીને અજીબ રીતે ઝટકા મારતી હતી. બે વ્યક્તિ પર આ સિંહણે હુમલો પણ કર્યો હતો. તે વખતે ફૂલનદેવીનું નામ ચર્ચામાં હતું જેથી સિંહણનું નામ પણ ફૂલનદેવી રાખી દેવાયું.

આ જ વિસ્તારમાં રહેતા એક સિંહ-સિંહણની વર્તણૂક પાગલ જેવી હોય આ બેલડુ ‘ગાંડુ બેલાડ’ તરીકે ઓળખાતું. સિંહ સિંહણ મોઢામાંથી થૂંકના ફોરા ઉડાડવા એક બીજા પાછળ સતત દોડ્યે રાખવું અને ધીંગા મસ્તી કર્યે રાખતા તેની વર્તણૂંક પાગલપનમાં ખપતી. જયારે ખાંભા નજીક વાદળિયા હનુમાન આશ્રમ પાસે એક સિંહણ થોડી ઉજળી હોય ‘ધોબી સિંહણ’ તરીકે ઓળખાય છે.

એક સમયે સતાધાર અને કનકાઇ વચ્ચેના જંગલમાં આશ્રમ નાંખીને રહેતા બાજરિયાબાપુ સિંહોને વશમાં રાખી શકતા અહીંના જંગલમાં એક વિકરાળ અને ગમે ત્યારે આક્રમણ કરવાની વૃત્તિવાળી સિંહણ ‘તાડકા’ તરીકે ઓળખાતી. સિંહણની પ્રકૃતિ તાડકા જેવી હતી જેથી બાપુ તેને તાડકા કહેતા જયારે એક બળવાન સિંહને ‘સુબાહુ’ તરીકે ઓળખવામાં આવતો.

જંગલમાં વસવાટ કરતા એક સિંહના કપાળમાં ટીલુ દેખાતુ હોય તેનું નામ ‘ટીતિયો’ પડી ગયું હતું. ધારીના ગ્રામીણ વિસ્તારમાં અર્જુન અને ભીમ નામના બે સિંહો ભાઇઓની જેમ સાથે જ રહે છે. જયારે એક સિંહ અદભૂત તાકાત સાથે મારણ પર ત્રાટકતો હોય તેના ચાર પગ અને પાંચમા મોઢાની તાકાત ગણી ‘પંચાનંદ’ નામ અપાયું હતું.

જે નગરમાં વર્ષો પહેલાં એક સાવજનું નામ તેના રંગના આધારે ‘કાળિયો’ રખાયું હતું. ગીર જંગલમાં દીપડા હરણ વાંદરા મગર, નીલગાય સહિત સેંકડો પ્રાણીઓ રહે છે. પરંતુ સિંહો સિવાય એકેય પ્રાણીના નામ રાખવાની પરંપરા નથી. આ જ જંગલમાં રાજાની શાન છે.

સિંહ ટોળીના પણ અજબ-ગજબ નામ

ગીરના સાવજો તેની ટોળીના નામે પણ ઓળખાય છે. મઘ્ય જંગલમાં સાવજોની એક ટોળીના નવ સભ્યો હોય ‘નવનાથ’ તરીકે ઓળખાતી. જયારે સાત સિંહ અને સિંહણનું એક ગ્રુપ ગમે ત્યારે મારણ કરી આતંક મચાવતુ હોય ‘સાત નારી’ તરીકે ઓળખાતું.

જયારે અન્ય એક ટોળીમાં પાંચ સાવજ હોય ‘પંચનાથ’થી સ્થાનિક લોકો ઓળખે છે. જે લોકોને જંગલ સાથે કાયમનો પનારો છે. તેમના માટે આ નામો સામાન્ય છે. જયારે જંગલની દુનિયાથી અજાણ લોકો માટે આ નામો ‘રોમાંચક’ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301032856_bhim_arjun_and_fulandevi_leave_togther_in_jungle.html

No comments: