Thursday, March 11, 2010

આઠ ફૂટ લાંબો ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો.

વેરાવળ તા.૯ :

વેરાવળ નજીક ઇશ્વરીયા, મંડોર, ભેરાળા સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે તરખાટ મચાવનારા દીપડા પૈકી એક દીપડો ગઇ રાત્રે ૪ કલાકે પાંજરા પૂરાઇ ગયો હતો. આ દીપડો માનવભક્ષી છે કે નહી તે ચકાસવા લેબોરેટરીમાં તપાસાર્થે મોકલાશે.

હજુ પણ સાત જેટલા દીપડા આ વિસ્તારમાં હોવાનંુ ગામલોકો જણાવી વિગત મૂજબ ગઇ રાત્રિના મંડોર ગામથી એક કિમી દૂર આવેલા મેરામણભાઇ રામભાઇ ડોડીયાના શેરડીના વાડમાં દીપડો હોવાનંુ જાણવા મળતા વન વિભાગે ત્યાં ધામા નાખી બકરાનું મારણ મૂકી પાંજરૃ ગોઠવતા સવારે ૪ કલાકે એક્ દીપડો પાંજરામાં પૂરાયો હતો. સાત વર્ષની ઉંમર ધરાવતો તંદુરસ્ત એવા દીપડાની લંબાઇ આઠ ફૂટ તેમ જ ઉંચાઇ અઢી ફૂટ અને ૬૫ થી ૭૦ કિલોગ્રામ વજન છે.

વન વિભાગના કહેવા અનુસાર આ દીપડાને જોતા તે કદાચ માનવભક્ષી હોય તેવા જ લક્ષણો છે છતાં અહિંથી સાસણ લઇ જઇ તેને લેબોરેટરી પરિક્ષણમાં મોકલાશે. જ્યાં આ અંગે ખબર પડશે કે, માનવભક્ષી દીપડો છે કે નહી. ભારે ચબરાક એવા દીપડાએ વન વિભાગને ૨૫ દિવસ સુધી કસરત કરાવ્યા બાદ પકડાયો છે ત્યારે વન વિભાગમાં રાહતની લાગણી જોવા મળી હતી. આ દીપડાને પકડવા માટે જૂનાગઢ ફોરેસ્ટ અધિકારી અનિતા કર્ણના માર્ગદર્શન હેઠળ ગઇ કાલથી જ જૂનાગઢ મદદનીશ વનસંરક્ષક પ્રવિણસિંહ બાબરીયા, વેરાવળ ફોરેસ્ટર નાનજીભાઇ કોઠીવાલ, સાસણગીરના ફોરેસ્ટર મનુભાઇ સોલંકી, ગિરનાર વન વિભાગ સ્ટાફના જી.બી.ચૌહાણ, બી.એમ.ભારાઇ, સાસણ વન વિભાગ સ્ટાફના મહમદ જુમાભાઇ, હનીફ ઇબ્રાહીમભાઇ, વન્ય પ્રાણી પ્રેમી સુનીલકુમાર પરમાર ખડેપગે રહ્યા હતા.

રામશીભાઇ ખેરના જણાવ્યા મૂજબ હજુ પણ સાત આઠ દીપડા આંટાફેરા મારતા હોઈ પકડાયેલો દીપડો જો માનવભક્ષી ન નિકળે તો ઓપરેશન ચાલુ રાખવા માંગ કરી હતી. જૂનાગઢ મદદનીશ વન સંરક્ષક બાબરીયા સંદેશને જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી સતત આ દીપડો પકડવા મહેનત કરતા હતાં. પણ, દીપડો ભારે ચબરાક હોય પાંજરૃ સુંઘીને ચાલ્યો જતો હતો. પકડાયેલો દીપડો માનવભક્ષી હોય તેવુ લાગે છે. અને આ દીપડો માનવભક્ષી નહી હોય તો હજ પણ વન વિભાગ તેનુ ઓપરેશન ચાલુ રાખશે તેવુ જણાવ્યું હતું.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166649

No comments: