Thursday, March 11, 2010

ઇશ્વરિયામાં હિરણ નદી કાંઠે ખૂંખાર દીપડી પાંજરે પૂરાઇ.

વેરાવળ તા.૧૦

વેરાવળ પંથકમાં ખૂંખાર દીપડા-દીપડીનાં ત્રાસ વચ્ચે ગઇ કાલે એક ખૂંખાર દીપડો પકડાયા બાદ આજે ઈશ્વરિયામાં હિરણ નદીનાં કાંઠેથી એક દીપડી પાંજરે પૂરાઇ ગઇ હતી. આ દીપડીને પણ જૂનાગઢ સક્કરબાગ ખાતે ખસેડવામાં આવી હતી. અને તેને પણ લેબોરેટરીમાં તપાસાર્થે મોકલવામાં આવશે.ઇશ્વરિયામાં હિરણ નદીનાં કાંઠે બે મહિલાને જ્યાં દીપડીએ ફાડી ખાધી હતી તે જગ્યાથી ૫૦ મીટર દૂર વન વિભાગે પાંજરૃ મૂક્યુ હતું ત્યાં આજે સવારે પાંચ કલાકે સાડા ત્રણ વર્ષની ઉંમરની, સામાન્ય કદની, ચાર ફૂટ લંબાઇ અને બે મીટર ઉંચાઇ ધરાવતી દીપડી પાંજરે પૂરાઇ ગઇ હતી. આ દીપડીને ઇશ્વરીયામાં લઇ જઇ ગામ લોકોને દેખાડવામાં આવી હતી. જેનાં કારણે ગામ લોકોનો ભય ઓછો થયો હતો. વન વિભાગને પણ હાશકારાની લાગણી અનુભવાઇ હતી.

આ દીપડીને પણ જૂનાગઢ સક્કરબાગ ઝુ ખાતે ખસેડવામાં આવી છે. આ દીપડી પણ માનવભક્ષી છે કે નહી તે અંગે તપાસ કરાશે. જેનો રિપોર્ટ ચાર દિવસે આવશે. ગામ લોકોના કહેવા અનુસાર આ દીપડી અને દીપડો પકડાયા બાદ ભય ઓછો થયો છે. પરંતુ માનવભક્ષી છે કે નહી તે જાણવા ન મળે ત્યાં સુધી ભય થોડા ઘણા અંશે રહેશે તો ખરી જ. તેમ જ વનખાતાને ઇશ્વરિયા હનુમાન મંદિર પાસે એક ખેડૂતની વાડીમાં ગઇ કાલે પકડાયો હતો તેવો દીપડો જ જોવા મળ્યો હોવાનું જણાવતા વન વિભાગ દ્વારા ત્યાં તાત્કાલિક ધોરણે પાંજરૃ મૂકાવવાની વ્યવસ્થા કરાઇ હતી. જિલ્લા ફોરેસ્ટ અધિકારી અનિતા કર્ણના માર્ગદર્શન હેઠળ એસીએફ પ્રવિણસિંહ બાબરીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વઘાસિયા, ફોરેસ્ટર નાનજીભાઇ કોઠીવાલ અને તેમનો સ્ટાફ આ દીપડીને પકડવામાં સફળ રહ્યા હતા. ગામ લોકોના કહેવા અનુસાર હજુ પણ બે દીપડા આ વિસ્તારમાં આંટાફેરા કરે છે અને વન વિભાગે પણ તેમણે કહેવા અનુસાર જ સંબધિત જગ્યાઓમાં પાંજરા ગોઠવી દીધા છે.

દીપડાની ઉંમર તેના દાંત પરથી ખબર પડે છે.

વન વિભાગ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યા મુજબ દીપડાની ઉંમર તેના દાંતના કલર અને સાઇજ તેમજ તેના શરીરના કદ પરથી ખબર પડે છે. દાંતનો કલર વધુ પિળાશ ધરાવતો હોય અને એકદમ ધારદાર અને દાંત બહાર નિકળેલા હોય તો આ દીપડો પાંચ વર્ષની ઉપરની ઉંમર ધરાવતો હોય છે તેમજ દાંત સફેદ કલરના અને હજુ વધારે વિકસીત નહોય ત્યારે તે પાંચ વર્ષથી નાની આયુ ધરાવે છે. તે ઉપરાંત જેમ શરીરનું કદ વધારે તેમ તેની ઉંમર અંકવામાં આવે છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166996

No comments: