Thursday, March 25, 2010

સિંહની હત્યામાં ત્રણની ધરપકડ.

Wednesday, Mar 24th, 2010, 12:19 am [IST]
danik bhaskar
Bhaskar News, Junagadh

ગઇકાલે બિલખા નજીક સ્વબચાવમાં જંગલનાં રાજાનું ઢીમ ઢાળી દેનારા ત્રણ શકસોની વન વિભાગે ધરપકડ કરી ત્રણ કુહાડી કબજે કરી છે. આ ત્રણેય શખ્સોને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આજે મૃત સિંહની સક્કરબાગ ઝૂ ખાતે અંતિમવિધી કરવામાં આવી હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.

બિલખા તાબેનાં ચોરવાડી ગામ પાસે ઉપસરપંચ, ફોરેસ્ટ સહિત સાત લોકોને ઘાયલ કર્યા બાદ જૂનાગઢનાં મુસ્લિમ આધેડ મહમદખાંએ ભાઈ અને ભત્રીજાને સિંહથી બચાવવા જૉરદાર ચીસ પાડી હતી. જેનાથી સિંહ તેના પર આવ્યો હતો તેણે સ્વબચાવમાં કુહાડીનો ઘા ઝીંકી સિંહની હત્યા કરી હતી. આ બનાવમાં વન વિભાગે આજે મહમદખાં, અબ્દુલખાં અને સલીમ હબીબની ધરપકડ કરી હતી. અને સિંહની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી ત્રણ કુહાડી પણ કબજે કરવામાં આવી હતી.
સ્પેશ્યલ ડયુટી ફોરેસ્ટર કનેરીયાએ કહ્યું કે, ૨૪ કલાકની મુદ્દત પૂર્ણ થયા બાદ આવતીકાલે આ ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેમજ આ પ્રકરણમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં ? તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

આજે સક્કરબાગ ઝૂ ખાતે પેનલ ડોકટર મારફત મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું. બાદમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની ચોક્કસ જગ્યાએ મૃતક સિંહની અંતિમવિધી કરવામાં આવી હતી. એટલે કે વનરાજનાં મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો.

આજે ફોરેન્સિક લેબોરેટરીમાં વિશેરા મોકલાશે
કનેરીયાએ જણાવ્યું હતું કે, ‘‘મૃત સિંહનાં વિશેરા આવતીકાલે ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલવામાં આવશે.’’

ઘટના સ્થળ પર અન્ય શખ્સોની હાજરીની શંકા
આર.એફ.ઓ. દિપક પંડયાએ જણાવ્યું હતું કે, ‘‘સિંહની હત્યામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં તે અંગેની તપાસ ચાલુ છે. તેમજ ઘટના સ્થળે આ ત્રણ શખ્સો સિવાય અન્ય શખ્સોની હાજરી હોવાની પણ અમને શંકા છે.’’
Source: http://www.divyabhaskar.co.in/2010/03/24/100324001936_three_arrested_for_lion_hunting.html

No comments: