Thursday, March 18, 2010

બે સિંહ ગોંડલ પાસે પહોંચી ગયાની ચર્ચા.

Bhaskar News, Rajkot

ગોંડલ નજીક આવેલા નવાગામની સીમમાં બે સિંહ આવ્યાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના સાથે ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે કોઈએ વનવિભાગને જાણમાં કરતા આરએફઓ માદડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો છે. અને રાની પશુના પગના નિશાનના આધારે ખરેખર સિંહ આવે છે કે કેમ તે અંગેની ખરાઈ કરવાની કોશિશ શરૂ કરવામાં આવી છે.

ગોંડલ નજીક આવેલા નવાગામથી જલારામ બાપાના વીરપુર જવાના રસ્તા પર આવેલા ગાળાવાળા હનુમાનજી મંદિરના પૂજારી બુધવારે મોડીસાંજે મંદિરના પટાંગણમાં હતા ત્યારે બાજુમાંથી બે સિંહ પસાર થયા હોવાનું તેઓને જણાઈ આવતા તાત્કાલિક લાગતા વળગતાઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં વનવિભાગને ઉપરોકત ઘટનાથી વાકેફ કરવામાં આવતા આરએફઓ પણ પોતાની ટીમ સાથે ગારિયા હનુમાન મંદિર પાસે પહોંચી ગયા હતા.

માદડિયાએ જણાવ્યું હતું કે, હનુમાનજી મંદિર આસપાસ જંગલી જનાવરોના ફૂટવર્ક મળ્યા છે પરંતુ સિંહ છે કે અન્ય કોઈ પ્રાણી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. તેમજ લોકોની અવરજવર પણ આ રસ્તા પર વિશેષ હોય અમુક જગ્યાએથી ફૂટવર્કના નિશાન ભૂંસાઈ ગયા હતા. જૉ કે આમ છતાં કાર્યવાહી ચાલુ છે અને જૉ સિંહ હશે તો પાંજરા મુકવામાં આવશે.

અગાઉ દિવાળીના દિવસોમાં સિંહ પરિવાર આવ્યો હતો

દોઢેક વર્ષ પહેલાં દિવાળીના દિવસોમાં સ્ટેટની વીડીમાં એક સિંહણ અને ત્રણ બચ્ચાંએ ધામા નાખ્યા હતા. આ સમયે સતત ત્રણ દિવસ સુધી વનવિભાગે પાંજરા મૂકીને કાર્યવાહી કરતા સિંહણ અને તેના બચ્ચાં મહામહેનતે પકડાયા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/18/100318014706_two_lions_entered_in_gondal_terrorterty.html

No comments: