Tuesday, March 9, 2010

કેસર કેરીનું ઉત્પાદન વધશે ભાવ નીચા રહેવાની શક્યતા.

રાજકોટ, તા.૮

મીઠી, મધુરી, સોડમદાર કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા કેટલાક સમયથી ઘટી રહ્યું છે ત્યારે આ વર્ષે ઉત્પાદન વધે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. બાગાયત નિષ્ણાતો, ખેડૂતો અને વેપારીઓનાં અંદાજ પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૯.૫ લાખ બોક્ષ જેટલું કેસર કેરીનું ઉત્પાદન વધે તેવા સંજોગો છે. પરિણામે, કેસર આ વર્ષે પ્રમાણમાં થોડી સસ્તી રહે તેવી આશા સેવાઈ રહી છે. પાંચ વર્ષથી સતત ઘટી રહેલા ઉત્પાદનને કારણે ચિંતાગ્રસ્ત ખેડૂતોનાં ચહેરા પર નવી રોનક આવી ગઈ છે.

ઉનાળાની શરૃઆત થતા જ સોરઠની મધમધતી કેસર કેરી પણ લોકોને યાદ આવી જાય છે. કેસરના મુહૂર્તના સોદાઓ થઈ ચૂક્યા છે. એવી સ્થિતિ વચ્ચે સરવાળે બહાર આવેલી પરિસ્થિતિ પ્રમાણે આ વર્ષે કેસરનું ઉત્પાદન વધશે. ગત વર્ષે ૨૬.૫૧ લાખ બોક્ષ જેટલી કેસરનું ઉત્પાદન થયું હતું. જે આ વર્ષે વધીને ૩૬ લાખ બોક્ષ સુધી પહોંચી જવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.

એકંદરે ઉત્પાદન વધવાને કારણે ભાવ પણ ઘટીને સિઝન પૂરબહારમાં હશે, ત્યારે રૃ. ૩૦ પ્રતિ કિલો સુધીના રહેશે. તેવું વેપારી વર્ગ માની રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના તાલાળા અને વંથલી બન્ને પંથક કેસર કેરીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. જેમાંથી તાલાળા પંથકની કેરી પહેલા અને વંથલી વિસ્તારની કેરી પછીથી બજારમાં આવે છે. સરેરાશ ત્રણેક માસ સુધી કેસર ફ્રૂટ બજારમાં છવાયેલી રહે છે. તાલાળા પંથકમાં પાકતી કેસરની સિઝન એપ્રિલ માસની શરૃઆત સાથે ચાલુ થઈને જૂનનાં અંત ભાગ સુધી ચાલે તેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાંથી ગત વર્ષના પ્રમાણમાં સાડા છ લાખ બોક્ષ જેટલું ઉત્પાદન વધીને કુલ ર૮ લાખ બોક્ષ ઉત્પાદન થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ વંથલી પંથકની કેસર કેરીની સિઝન મે મહિનાની શરૃઆતમાં ચાલુ થઈને જૂલાઈ માસની શરૃઆત સુધી ચાલશે. ગત વર્ષની સરખામણીએ અહી પોણા ત્રણ લાખ બોક્ષ વધીને કુલ ઉત્પાદન ૮ લાખ બોક્ષ સુધી પહોંચી જવાની આશા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી એટલે કે વર્ષ ૨૦૦૫ થી કેસરનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. વર્ષ ર૦૦૫ માં બન્ને પંથકોમાંથી કુલ મળીને ૪૨,૫૯,૫૦૦ બોક્ષનું ઉત્પાદન થયું હતું. જે છેલ્લા ૧૦ વર્ષનું સૌથી વધુ ઉત્પાદન ગણાવાઈ રહ્યું છે.

તાલાળા અને વંથલીની કેસર વચ્ચે એક માસનો તફાવત !!

રાજકોટઃ તાલાળા અને વંથલી પંથકમાં પાકતી કેસર કેરી વચ્ચે એક માસ જેટલા સમયનો તફાવત રહે છે. તાલાળામાંથી એપ્રિલ માસની શરૃઆત સાથે જ બજારમાં કેરી બહાર આવવા માંડે છે. જ્યારે વંથલીની કેરી છેક મે માસમાં બજારમાં આવે છે. વંથલીની જમીન કાંપ વાળી હોવાથી આવું બની રહ્યું છે. વંથલીની જમીનનું બંધારણ તાલાળાથી અલગ છે. ઠંડી જમીન હોવાથી મોર ઝડપથી બંધાતા નથી. તેમજ આંબા મોડા ફૂટે છે. આ હાલતને કારણે વંથલીના ખેડૂતોએ થોડી મુશ્કેલી પણ વેઠવી પડે છે. કારણ કે સારો એવો પાક આંબા પર ત્યાં જ વરસાદ પડી જાય છે. તેમજ મોટા પ્રમાણમાં પાકનો કચ્ચરઘાણ નિકળી જાય છે.

કેસરનું કાઉન્ટ ડાઉન, છેલ્લા પાંચ વર્ષનું ઉત્પાદન

વર્ષ

તાલાળા પંથક(બોક્ષ)

વંથલી પંથક(બોક્ષ)

સરેરાશ ભાવ(રૃ.)

૨૦૦૫

૩૩,૭૮,૦૦૦

,૮૧,૫૦૦

૮૭

૨૦૦૬

૩૦,૯૬,૦૦૦

૧૦,૭૮,૦૦૦

૯૦

૨૦૦૭

૨૯,૦૩,૦૦૦

,૬૩,૪૦૦

૧૪૦

૨૦૦૮

૨૬,૧૪,૦૦૦

૧૨,૬૮,૦૦૦

૧૨૯

૨૦૦૯

૨૧,૩૧,૦૦૦

,૧૯,૦૦૦

૨૦૮

૨૦૧૦(અંદાજીત)

૨૮,૦૦,૦૦૦

,૦૦,૦૦૦

-

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166261

No comments: