Thursday, March 25, 2010

સાત લોકો પર હુમલા બાદ સિંહની હત્યા.

Tuesday, Mar 23rd, 2010, 3:54 am [IST]
danik bhaskar
Bhaskar News, Junagadh

ગીરનારનાં જંગલમાંથી નીકળી આવેલા સિંહો સવારનાં સમયે જૂનાગઢ તાલુકાનાં બીલખા પાસેનાં સીમ વિસ્તારોમાં ખેતરમાં લોકોની હાજરી જૉઈને ભડકયા હતા. બાદમાં એક પછી એક ૪ લોકો ઉપર જુદા જુદા સ્થળોએ હુમલા કર્યા હતા. જે પૈકી એક વાડીમાં લાકડા કાપતા ૩ મજુરો ઉપર હુમલો કરતાં મંજુરોએ સ્વબચાવમાં કુહાડી ઝીંકી દીધી હતી. જે એક સિંહ માટે જીવલેણ નીવડી હતી. આ બનાવોમાં ઘાયલ થયેલા કુલ ૪ લોકોને જૂનાગઢ સીવીલ હોસ્પિટલે ખસેડાયા છે. વનવિભાગે સ્વબચાવમાં સિંહને કુહાડી ઝીંકવા બદલ ૩ શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાનાં બીલખા નજીક ચોરવાડી, નવાગામ અને માંડણપરા ગામની સીમમાં ગીરનારનાં જંગલમાંથી રાત્રે શિકારની શોધમાં નીકળી આવેલા સિંહોએ કાળો કેર વર્તાવી દીધો હતો. સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં ચોરવાડીનાં ઉપસરપંચ મહેશભાઈ સોંડાભાઈ બલદાણિયા (ઉ.વ.૩૦) પોતાની વાડીએથી એક વ્યકિત સાથે ઘર તરફ આવી રહ્યાં હતા. ત્યારે અચાનક જ એક ડાલામથ્થો રસ્તામાં ટપકી પડયો હતો. સિંહે પરબારો જ મહેશભાઈનો જમણો પગ પીંડીમાંથી પકડયો. મહેશભાઈ અને તેનાં મિત્રએ હાકોટો પાડતાં તે નાસી છુટયો.

બીજા બનાવમાં ફોરેસ્ટગાર્ડ પરબતભાઈ ઘરસંડા (ઉ.વ.૫૦)ને રામનાથ રાઉન્ડનાં કે.એલ.દવે, પંડયાભાઈ, અપારનાથીભાઈ, વગેરે સાથે ચોરવાડીનાં પાટિયા પાસે સિંહ જૉવા મળ્યા હોઈ તેને જંગલ તરફ દોરી જવાનો આદેશ મળતાં તેઓ ત્યાં દોડી ગયા. પરબતભાઈ, કે.એલ. દવે ચોરવાડી સીમ તરફ ગયા. દરમ્યાન નવાગામનાં ચંદુભાઈ ગોબરભાઈ ચોવટીયા (ઉ.વ.૪૫) તેમની સાથે થઈ ગયા. તેઓ સિંહને શોધેએ પહેલાં સિંહે તેઓને શોધી લીધા. પાંચથી આઠ વર્ષની સિંહણે ચંદુભાઈને પીઠ પાછળ પંજૉ માર્યોઉધા મોંએ જમીન પર પટકાયેલા ચંદુભાઈની પુંઠ ઉપર બચકું ભર્યુ. ત્યાર પછી તે ચંદુભાઈનાં શરીર પર બેસી ગઈ.

ફોરસ્ટગાર્ડ પરબતભાઈ અને કે.એલ. દવેએ તેને હાંકવાની કોશીષ કરતાં સિંહણે પરબતભાઈ ઉપર તરાપ મારી તેનું ગળું પકડવા કોશીષ કરી. સમય સુચકતા વાપરી તેમણે પોતાનો જમણો હાથઆડો ધરી દીધો. સાથોસાથ તેઓ પણ જમીન ઉપર પટકાયા. જૉ કે તેમણે ડાબા હાથે સિંહણનું માથું પકડી તેને જૉરથી ધક્કો મારતાં સિંહણે તેમનાં ડાબા પડખે પંજૉ મારી બાદમાં રસ્તો ક્રોસ કરી માંડણપરાની સીમ તરફ નાસી ગઈ.સીમમાં બનેલા આ બનાવોને પગલે ત્રણેય ગામોમાં દેકારો બોલી ગયો.

વાડીઓમાં કામ કરતા લોકોએ જયાં જયાં સિંહોને જૉયા ત્યાં ત્યાં હાકોરા પાડતાં સિંહો ભડકયા. ત્રીજા બનાવમાં બપોરે ૧૧:૪૫ વાગ્યાના અરસામાં ચોરવાડી બસ સ્ટેન્ડે પાણીનું પરબ ચલાવતા ગોપાલભાઈ વાલાભાઈ મોર (ઉ.વ.૭૨)ને સિંહોની સીમમાં હાજરીનાં સમાચારો મળતા તેઓ પાસે જ વિનુભાઈ નામનાં ખેડૂતને તેમનાં બળદોને બચાવવા જાણ કરવા અને વનવિભાગને જાણ કરવા એ તરફ ચાલ્યા. પરંતુ રસ્તામાં જ તેમને સિંહ ભેટી ગયો. સિંહે અચાનક જ પંજૉ મારી પછાડી દીધા અને પુંઠમાં બચકું ભરી બાદમાં નાસી છુટ્યો હતો.

ચોથો વારો બપોરે બાર વાગ્યાના અરસામાં ડામરરોડથી ૧૦૦ મીટર દૂર પરસોત્તમભાઈની વાડીમાં ઝાડી ઝાંખરા અને ઝાડ કાપવાનું કામ કરતા છ મજુરોનો આવી ગયો. સિંહે દોડતા આવી સીધા જ સલીમ હબીબ ઠયમ (ઉ.વ.૩૨) અને અબ્દુલખાં કરીમખાં પઠાણ (ઉ.વ.૪૫)ઉપર તરાપ મારી પંજૉ મારી પછાડી દીધા. એ જ વખતે અબ્દુલખાંના ભાઈ મહેનદખાં (ઉ.વ.૪૦)એ તેમને ચેતવવા બુમ પાડી. સિંહ એ બંનેને પડતા મુકી મહંમદખા ઉપર ઘસી આવ્યો અને તેના કપાળ ઉપર પંજૉ માર્યો. બીજૉ ઘા કરવા જાય એ પહેલાં મહંમદખાંએ પોતાના હાથમાંની કુહાડી આડી ધરી દીધી. જે સિંહ માટે જીવલેણ નીવડી. સિંહ ત્યાં જ ઢળી પડયો.

* સિંહ-દીપડાના હુમલામાં ૨૨ વ્યકિત ઘાયલ: બે બાળકોનાં મોત
* ગોંડલ પાસે બે સિંહ આવ્યાની ચર્ચા
* ગીરમાં સિંહ સિંહણ કરતાં બચ્ચા વધારે
બીજી બાજુ તડકામાં કપાળેથી લોહીની ધાર થતાં મહંમદખાં પણ ચક્કરખાઈ જમીન ઉપર પટકાયો. આ બનાવોમાં ધવાયેલા લોકોને એક પછી એક જૂનાગઢ સિવીલ હોસ્પિટલે ખસેડાયા. બનાવોની જાણ થતાં એ.સી.એફ.પીએસ બાબરીયા, આર.એફ.ઓ. દીપક પંડયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો. અને સિંહનાં મૃતદેહનું પંચનામું કરી તેનું ઘટના સ્થળે જ પી.એમ કરાયા બાદ સલીમ, અબ્દુલખાં અને મહંમદખાં (રે.ત્રણેય, ધારાગઢ દરવાજા પાસે, જૂનાગઢ) સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Source: http://www.divyabhaskar.co.in/2010/03/23/100323001021_lion_killed_by_man_as_lion_attacked.html

No comments: