Tuesday, July 2, 2013

એક જ વર્ષમાં દિપડાએ પાંચ માનવ જિંદગીનો ભોગ લીધો.


Bhaskar News, Liliya | Jun 26, 2013, 23:29PM IST - અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજ અને દિપડાના હુમલાની એક વર્ષમાં ૩૮ ઘટના

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ અને દિપડાની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આ બન્ને વન્ય પ્રાણીઓ દ્વારા માણસ પર હુમલાની સંખ્યાઓ પણ વધી છે. ગત વર્ષે અમરેલી જીલ્લામાં દિપડાના હુમલામાં કુલ પાંચ વ્યક્તિના મોત થયા હતાં. જ્યારે દિપડા દ્વારા લોકોને ઘાયલ કરવાની ૨૭ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વસતી વધી છે ખરી પરંતુ આ વન્ય પ્રાણીઓ પૈકી સૌથી વધુ જોખમી પ્રાણી દિપડો સાબિત થઇ રહ્યો છે. અમરેલી જીલ્લામાં સાવજોની સંખ્યા પણ સૌથી વધુ છે. સિંહદર્શન માટે લોકો એકઠા થાય છે. ક્યારેય કાંકરી ચાળો પણ થાય છે. આમ છતાં સાવજોના હુમલાની ઘટના ભાગ્યે જ બને છે. પરંતુ લોકોની નઝરે ચડતો ન હોવા છતાં દિપડાના હુમલાની ઘટના મોટા પ્રમાણમાં બને છે.

ગત વર્ષે અમરેલી જીલ્લામાં દપિડાના હુમલાથી પાંચ વ્યક્તિઓના મોત થયા હતાં. જળ જીવડીના હકાભાઇ શામજીભાઇ, માલસીકાના શૈલેષભાઇ ભીખાભાઇ સહિત પાંચનો દપિડાએ ભોગ લીધો હતો. વન વિભાગ દ્વારા દપિડાના આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને દોઢ-દોઢ લાખની સહાય પણ અપાઇ હતી. વાડી-ખેતરોમાં લોકો કામ કરતા હોય ત્યારે અચાનક જ દિપડો હુમલો કરી બેસે છે. ઉભા પાક કે વાડમાંથી પાછળથી દિપડો ધસી આવે છે. સામાપક્ષે વાડીમાં સાવજની હાજરી હોવા છતાં લોકો ખેતીકામ કરતા હોય તો પણ સાવજના હુમલાની ઘટના ભાગ્યે જ બને છે.

-  દિપડાએ ૨૭ લોકોને ઘાયલ કર્યા

દિપડાએ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પાંચ માનવ જીંદગીના ભોગ લેવા ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં હુમલા કરી ૨૭ લોકોને ઘાયલ કરી દીધા હતાં. મોટાભાગના આ બનાવો સાવરકુંડલા, ધારી, ખાંભા તાલુકામાં બન્યા હતાં. આ ઉપરાંત સાવજો દ્વારા માણસ પર હુમલાની અગીયાર ઘટનાઓ પણ બની હતી.

No comments: