![](http://i7.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2013/07/17/8871_sag.jpg)
Bhaskar News, Junagadh
| Jul 17, 2013, 02:33AM IST
ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ સ્થિત એક ખાનગી માલિકીની જમીનમાંથી વનવિભાગની મંજૂરી વિના જ સાગનાં ૨૧ વૃક્ષો કપાઇ ગયાની જાણ કોઇએ વનવિભાગને કરી હતી. આથી વનવિભાગે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પરંતુ લાકડાં કપાયાનાં માત્ર અવશેષો જ મળ્યા હતા. જોકે, આ લાકડાં કોણે કાપ્યાં એ અટકળનો વિષય છે.
ગિરનારની તળેટીમાં ભવનાથ વિસ્તારમાં લાલઢોરી પાછળ આવેલી એક ખાનગી માલિકીની જમીનમાં સાગનાં લાકડાંનું કટીંગ થયાની બાતમી કોઇએ વનવિભાગને આપી હતી. આથી આરએફઓ મારૂ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તપાસ કરી હતી. જેમાં ૨૧ સાગનાં વૃક્ષોનું કટીંગ થયાનું માલુમ પડયું હતું. આથી તેમણે જમીન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આ વૃક્ષોનું કટીંગ વનવિભાગની મંજૂરી વિના થયાનું આરએફઓ મારૂએ જણાવ્યું હતું. આ કિસ્સામાં વૃક્ષ દીઠ રૂપિયા પાંચસો એટલે કે લગભગ દસેક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. એમ પણ આરએફઓ મારૂએ જણાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ, ગિરનાર અભયારણ્યને અડીને આવેલા ભવનાથમાં લાલઢોરીની પાછળ આશરે પ૧ વીઘા ખાનગી માલિકીની જમીનનો પટ્ટો છે. જેમાં ૪પ વીઘા અને ૬ વીઘા એમ બે માલિકોની જમીનો છે.
વૃક્ષો ન મળ્યા : ઠૂંઠાનાં આધારે અનુમાન
વનવિભાગને ઘટનાસ્થળેથી કપાયેલાં લાકડાં મળ્યા નહોતા. પરંતુ કપાયેલા ઠૂંઠાનાં આધારે ૨૧ વૃક્ષોનું કટીંગ કરાયાનું સ્પષ્ટ થયું હતું. એ સ્થળે કપાયેલા ડાળખાં-લીલા પાંદડાનાં જોવા મળ્યા હતા.
શું કહે છે જમીન માલિક ?
આ અંગે જમીન માલિક ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, મેં આ વૃક્ષો કાપ્યાં નથી. મારે જો કાપવા હોય તો મંજૂરી ન લઇ લઉં ? આ બીજા લોકોનું કારસ્તાન છે. આ વિશે મને કશી ખબર પણ નથી.
૮ દિ’ પેલાં થયું કટીંગ
વનવિભાગે ઘટનાસ્થળે જઇને જોતાં વૃક્ષોનું કટીંગ આઠેક દિવસો પહેલાં થયાનું માલુમ પડયું હતું.
No comments:
Post a Comment