Monday, July 29, 2013

સાવજનાં હત્યારાઓ સુધી પહોંચવા વનતંત્રની કવાયત.


Bhaskar News, Visavadar | Jul 27, 2013, 02:17AM IST
બે શંકાસ્પદોની પુછપરછ : ૧ની કોલ ડીટેઇલ કઢાવાઇ : વાહનોનું સઘન ચેકિંગ
 
વિસાવદરનાં ધારી રોડ પર ત્રણ દિવસ પહેલાં મળેલા સિંહનાં મૃતદેહને લઇને વનવિભાગે તેનાં હત્યારા સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિંહને યુરિયાવાળું પાણી પાઇને મારી નાંખવામાં આવ્યો હોવાથી વનવિભાગે અત્યાર સુધીમાં આ વિસ્તારની આસપાસનાં કુલ મળી પાણીનાં ૪૦ નમુના લીધા છે. અને એક શંકાસ્પદ વ્યક્તિનાં કોલ ડીટેઇલની પણ તપાસ હાથ ધરી છે.
 
વિસાવદરનાં લાલપુર-વેકરીયા રોડ પર ગત તા. ૨૧ જુલાઇની રાત્રે કોઇ રોડની સાઇડે સિંહનો મૃતદેહ ફેંકી ગયું હતું. તેનાં પીએમમાં પેટમાંથી યુરિયાવાળું પાણી નીકળતાં સિંહની હત્યા યુરીયાવાળું પાણી પીવડાવીને કરાઇ હોવાનું સ્પષ્ટ થયું છે. ત્યારે વનવિભાગે આ વિસ્તારમાં આવેલી વાડીઓનાં પાણીનાં નમુનાઓ એકઠા કર્યા છે. હત્યારાને પકડવા પાંચ ટીમો બનાવાઇ છે. અત્યાર સુધીમાં ૪૦ ખેતરોની તપાસ કરાઇ છે. તો વાડીમાલિકોનાં નિવેદનો પણ લેવાયા છે. જ્યારે એક શંકાસ્પદ વ્યક્તિની કોલડીટેઇલ કઢાવાઇ છે. બે શકમંદોને પુછપરછ માટે પણ બોલાવાયા હતા. જોકે, આરોપીને ફાયદો ન થાય એ માટે વનવિભાગે હજુ કોઇ વીગતો જાહેર કરી નથી.
 
દરમ્યાન મૃતક સિંહનાં ગૃપનાં બાકીનાં ૩ વનરાજો પણ આજ વિસ્તારમાં આંટા મારી રહ્યા હોઇ વનવિભાગે તેઓનાં ફૂટમાર્કનાં આધારે તેમનાં રૂટ અને લોકેશન પણ સતતપણે મેળવી રહ્યા છે. યુરિયાવાળું પાણી આ ત્રણમાંથી એકેય સિંહોએ પીધું હતું કે નહીં, તેની તપાસ પણ કરી હતી. આ ઉપરાંત વાહનોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

No comments: