Tuesday, July 16, 2013

વર્ષાઋતુમાં ઊંચા ટેકરાઓ ઉપર સાવજો પ્રણયક્રિડામાં રત.

વર્ષાઋતુમાં ઊંચા ટેકરાઓ ઉપર સાવજો પ્રણયક્રિડામાં રત
Bhaskar News, Talala   |  Jul 15, 2013, 10:32AM IST
વર્ષાઋતુ જીવમાત્રને મદોન્મત બનાવે છે. પ્રેમ અને રોમાન્સની આ ઋતુની અસર પ્રાણી સૃષ્ટી ઉપર પણ પડે છે. વર્ષાઋતુનો સમય વનનાં રાજા - રાણી સિંહ - સિંહણનાં મિલનનો મહત્વનો પીરીયડ હોય છે. જંગલમાં ભારે વરસાદ ત્યારે ખુલ્લા મેદાન અને ઉંચાણ વાળા ટેકરા - ડુંગરા ઉપર પહોંચી જાય છે. અને માનવ નજરોથી દુર કોઇ પણ જાતના ખલેલ વગર પ્રેમક્રીડાની મોજ માણે છે.
ગીર જંગલમાં વસવાટ કરતા સિંહો ચોમાસામાં ભારે વરસાદને પગલે ઉંચાણવાળા વિસ્તારો તરફ ચાલ્યા જાય છે. જયાં મચ્છરોનો ત્રાસ ન હોય અને ખુલ્લી હવા મળતી હોય વધુ માત્રામાં સાથે ભેગા થતા હોય છે. મેટીંગ માટે વર્ષાઋતુ સિંહ -સિંહણનાં મિલન માટે શ્રેષ્ઠ સમય ગણાય છે.
જંગલની અંદરનાં સિંહો વરસાદ ચાલુ હોય ત્યારે કરમદાનાં ઢુવામાં રહેવાનું વધુ પસંદ કરે છે. જંગલની બોર્ડર અને રેવન્યુ વિસ્તારોમાં ફરતા સિંહો ખુલ્લા મેદાન અને ઉંચાણવાળા વિસ્તારો તરફ વધુ જોવા મળતા હોય છે.
ચોમાસામાં ચિત્તલનાં શિકાર વધુ
ચોમાસામાં સિંહોનાં ખોરાક મોટાભાગે ચિત્તલ રહે છે. કેમકે ચીત્તલનાં શિંગડા ઝાડી - ઝાંખરામાં ફસાઇ જતા હોય સિંહો માટે તેમનો શિકાર આસાન બની જતો હોવાનું તેમજ ખોરાક - પાણી માટે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે એમ ડીએફઓ ડો.સંદીપકુમારે જણાવ્યું હતું. હડમતીયા, મંડોરણા, જામવાળા વિસ્તારમાં સાતધાર તરીકે ઓળખાતા ટેકરા, ભાખા, થોરડી, બાબરીયાનાં રેવન્યુ વિસ્તારનાં ઉંચાણવાળા ભાગોમાં સિંહો વધુ પ્રમાણમાં હોવાનું તાલાલા રેન્જનાં આરએફઓ એ.ડી. બ્લોચએ જણાવ્યું હતું.
સિંહોનું માનવો સાથે ઘર્ષણનું પ્રમાણ વધી જાય છે
ચોમાસા દરમિયાન જંગલમાં મચ્છરોના ત્રાસથી જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં આવતા સાવજો વધુ સંખ્યામાં સાથે હોય નર-માદાનાં મિલનનું પ્રમાણ વધતુ હોય માનવી દ્વારા ખલેલ થાય ત્યારે સિંહો વિફરી બેસી હૂમલો કરી દેતા હોય છે. રેવન્યુ વિસ્તારમાં સિંહો આ તબક્કામાં વધુ વિહરતા હોય માનવી અને સિંહોનું ઘર્ષણ થવાનું પ્રમાણ વધી જતુ હોવાનું આંકોલવાડીનાં આરએફઓ ડી.એન. પટેલએ જણાવ્યું હતું.

No comments: