Tuesday, July 2, 2013

કંપાવનારી ઘટના : સાવજોથી ડરી ભાગેલી ૧૦ ગાયો ટ્રેન હેઠળ કપાઇ ગઇ.


કંપાવનારી ઘટના : સાવજોથી ડરી ભાગેલી ૧૦ ગાયો ટ્રેન હેઠળ કપાઇ ગઇ
કંપાવનારી ઘટના : સાવજોથી ડરી ભાગેલી ૧૦ ગાયો ટ્રેન હેઠળ કપાઇ ગઇ
Bhaskar News, Liliya   |  Jul 02, 2013, 09:25AM IST

- નાના લીલિયા ગામે બની કંપાવનારી ઘટના
- ત્રણ સાવજોએ જોકમાં ઘૂસી બે ગાયનું મારણ કર્યું ગાયોના ધણમાં નાસભાગ મચતા આઠ ગાયો માલગાડી હેઠળ કપાઇ


લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે ગઇકાલે એક ગોઝારી ઘટનામાં એક સાથે દશ ગાયોના મોત થયા હતાં. જેને પગલે નાનાએવા ગામમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ગામના પાદરમાં ગાયોના જોકમાં ત્રાટકી ત્રણ સાવજો દ્વારા બે ગાયોનું મારણ કરાયુ હતું.

જેને પગલે જોકની ગાયોમાં નાસભાગ મચી ગઇ હતી. ગાયોનું ધણ રેલવેના ટ્રેક પર નાસતુ હતુ ત્યારે માલગાડીની હડફેટે ચડી જવાથી આઠ ગાયો કપાઇ ગઇ હતી. ઘટનાને પગલે વન વિભાગનો સ્ટાફ નાના લીલીયા દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

એક સાથે દશ ગાયોના અરેરાટીભર્યા મોતની આ ઘટના ગઇકાલે રાતે સાડા નવેક વાગ્યાના સુમારે લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે બની હતી. જ્યાં સાવજોના હુમલાથી બે ગાયોનું તથા માલગાડી હેઠળ કચડાઇ જવાથી આઠ ગાયોનું મોત થયુ હતું. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર નાના લીલીયા ગામના પાદરમાં અહિંના આતાભાઇ જાપાભાઇ ભરવાડ પોતાના માલઢોર માટે જોક બનાવ્યો છે. બાવળની કાંટના બનેલા આ જોકમાં રાત્રે તેઓ પોતાની ગાયોને બાંધે છે.
રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે શીકારની શોધમાં નિકળેલા બે સાવજ અને એક સિંહણ આ જોકમાં કુધ્યા હતાં અને જોતજોતામાં બે ગાયોના રામ રમાડી દીધા હતાં. જોકમાં સાવજ ત્રાટકતા જ ગાયોના ધણમાં પણ નાસભાગ મચી હતી અને જોક તોડીને તમામ ગાયો સીમમાં નાસી છુટી હતી. ગાયોનું ડરેલુ આ ધણ નાના લીલીયા-પુંજાપાદર રેલવે ટ્રેક પર ચડયુ હતું.
સાવજના હુમલાથી બચેલી આ ગાયો પર માલગાડી કાળ બનીને ત્રાટકી હતી. પીપાવાવથી ઢસા તરફ જઇ રહેલી એક માલગાડી હડફેટે ચડી જતા આઠ ગાયો કપાઇ ગઇ હતી. રાત્રે જ ગાયોની શોધમાં સીમમાં નિકળેલા આ માલધારીને રેલવે ટ્રેક આસપાસ કપાયેલી ગાયો મળતા તેના પર જાણે આભ તુટી પડયુ હતું. એક સાથે દશ દશ માલઢોર ગુમાવનાર આ માલધારીને મોટી આર્થીક નુકશાનીનો સામનો કરવો પડયો હતો.
- બે કિમીના વિસ્તારમાં કપાયેલી ગાયોના અવશેષ
જોકમાંથી નાસેલી ગાયો રેલવે ટ્રેક પર દોડવા લાગી હતી. જેને પગલે એક પછી એક આ ગાયો માલગાડીની હડફેટે ચડી હતી અને આશરે બે કીમીના વિસ્તારમાં આ તમામ આઠ ગાયોના કપાયેલા અવશેષો જ્યાં ત્યાં ટ્રેકની આજુબાજુ વિખરાયેલા પડ્યા હતાં.
http://www.indianexpress.com/news/chased-by-lions-in-gujarat-8-cows-mowed-down-by-train/1136505/

No comments: