Monday, July 29, 2013

સોરઠભરમાં સાર્વત્રિક જળબંબોળ.

Bhaskar News, Junagadh   |  Jul 26, 2013, 02:43AM IST
જળાશય, તળાવ, ચેકડેમ નદીનાળા છલકાયા
 
જૂનાગઢ સહિ‌ત સમગ્ર સોરઠભરમાં મેઘરાજાનાં અપાર હેતથી ગઈકાલ રાતે અને આજે બપોર સુધી અવિરત મેઘધારાથી જળબંબોળની સ્થિતિ સર્જા‍ઈ હતી.ગીરનારનાં જંગલમાં તો છ થી આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.જયારે જૂનાગઢ, માળિયા, ઊના, વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, વિસાવદર, માંગરોળ, કેશોદ, તાલાલા સહિ‌તમેઘ મહેર જોવા મળી હતી.
 
વેરાવળમાં રાત્રીનાં વધુ ત્રણ ઈંચ
 
મધરાત્રીથી મુશળાધાર વરસેલ વરસાદથી સવારે છ વાગ્યા સુધીમાં વધુ ત્રણ ઇંચ જેટલુ પાણી વેરાવળ પંથકમાં વરસી પડતા સોમનાથ ટોકીઝ વિસ્તારની ગરીબનવાઝ, કીરમાની, અલીભાઇ, શાહીન કોલોની સહિ‌તના મોટાભાગની સોસાયટીઓમાં બે ફૂટથી વધુ પાણી ભરાય જતાં આ વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયેલ હતા. સાથો સાથ શહેરની બજારોમાં પાણીના યોગ્ય નિકાલના અભાવે મુખ્ય બજારો ઉપરાંત ગાંધીચોક રોડ, સટ્ટાબજાર, સ્વામીનારાયણ મંદિર, બ્લડબેંક રોડ, મહિ‌લા મંડળ રોડ, નગરપાલિકા કચેરી રોડ, સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડ સહિ‌ત નીંચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઇ જતાં રાહદારીઓ, વાહનચાલકો, દુકાનદારો, રહેવાસીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. બંદર કંટ્રોલના જણાવ્યા પ્રમાણે દરિયાઇ પટીના વિસ્તારમાં આગામી ૪૮ કલાકમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી સાથે સમુદ્ર સામાન્ય કરતા તોફાની બનેલ હોય મોજા ઉંચા ઉછળી રહ્યા છે અને માછીમારોને દરિયો ખેડવાની મનાઇ ફરમાવવામાં આવેલ છે.
 
ઊના પંથકમાં એકથી ચાર ઈંચ
 
ઊના પંથકમાં આજે બીજા દિવસે અવરીત મેઘ સવારી શરૂ રહેતા શહેરમાં દિવસ દરમિયાન ૦ાા ઇંચ પાણી વરસી જતાં મૌસમનો કુલ વરસાદ ૬૧૭ મી.મી. એટલે કે ર૪.૬૮ ઇંચ પાણી વરસી ગયેલ હતું. તેમજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર જેવા કે, જુડવડલીમાં ૪ ઇંચ, ધોકડવા ૩ ઇંચ, ફાટસર ર ઇંચ, સનખડા, ગાંગડા, નાના સમઢીયાળ, ઉંટવાળા, કાણકબરડા, કેસરીયા, ખત્રીવાડા, સામતેર સહિ‌તનાં વિસ્તારમાં ૧ ઇંચ જેટલું પાણી વરસી જતાં ખેડૂતો માટે કાચા સોના સમાન મેઘરાજાએ વાવણીમાં પણ નવુ જીવનદાન આપતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. તેમજ તાલુકાનાં જંગલ વિસ્તારમાં આવેલ મચ્છુન્દ્રી ડેમ પર ૩પ એમએમ વરસાદ વસેલ હતા. જ્યારે પાણીની સપાટી ૮.૬૦ આરે પહોંચતા મચ્છુન્દ્રી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. જ્યારે રાવલ ડેમમાં પણ ગઇકાલે જંગલ વિસ્તારમાં પડેલ વ્યાપક વરસાદને પગલે પાણીની આવક વધતા રાવલડેમની વર્તમાન સપાટી ૧૩.પ૦ મીટર પહોંચી છે. આમ લાંબા સમય પછી તાલુકાનાં બંને ડેમોમાં વ્યાપક પ્રમાણમાં પાણી આવતા પાણીની સમસ્યા હલ થવાને આરે હોય તેવું તંત્રમાંથી જાણવા મળી રહ્યું છે. આમ અષાઢીએ અમી વર્ષાએ સમગ્ર પંથક પાણી-પાણી કરી દેતાં કુદરતે માત્ર ૪૮ કલાકમાં ચીત્ર પલટાવી નાંખેલ હોય સમગ્ર પંથકમાં પાણી-પાણી કરી દીધેલ છે.
 
કોડીનારમાં વધુ બે ઈંચ
 
કોડીનાર પંથકમાં આજે ત્રીજા દિવસે પણ મેઘરાજાની મહેર રહેતા સાંજ સુધીમાં વધુ ર ઇંચ વરસાદ પડી ગયો હતો. મોસમનો કુલ ૭૦૭ મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ગીર જંગલમાં આવેલ સીંગવડા ડેમ છલકાઇ જતાં તેના ૩ દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવતા કોડીનારની નદીમાં ભારે પૂર આવતાં લોકોનાં ટોળા પૂર જોવા ઉમટયા હતા. છેલ્લા બે વર્ષથી નદીમાં કાંકરા ઉડી રહ્યાં હોય વિપુલ જળરાશી નિહાળી લોકો આનંદીત બની ગયા હતાં. કોડીનારથી પાંચ કિ.મી.દૂર સીંગવડા નદી ઉપર બાંધવામાં આવેલ ડેમ-ર જેનું નામ ભેખેશ્વર ડેમ આપવામાં આવ્યુ છે. આ ત્રીસ ફૂટની સપાટી ધરાવતા ડેમના નવ દરવાજા ખૂલ્લા રખાયા છે. જ્યારે ર૦ ફૂટ ઉપરથી પાણી વહે છે.
 
ગીરજંગલમાં છ ઈંચ ખાબક્યો
 
સાવજોનાં રહેઠાંણ ગીરનાં જંગલમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગીર જંગલ મધ્યે આવેલ કમલેશ્વર ડેમ છલકાવાની તૈયારીમાં હોય જંગલમાંથી વહેતા વોંકળા-ઝરણાનાં પાણી ડેમમાં ભળી રહ્યા છે. બુધવારે રાતથી ગુરૂવારે સાંજ સુધીમાં વધુ છ ઇંચ વરસાદ ગીર જંગલમાં વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી ગીરનાં જંગલમાં સર્વત્ર લીલોતરી છવાઇ ગઇ હોય ગીરનું જંગલ સ્વર્ગ સમુ સુંદર બન્યુ છે. કમલેશ્વર ડેમ વિસ્તારમાં હવે વરસાદી રાઉન્ડ થશે એટલે ૪ર.પ ફૂટની ક્ષમતા વાળો કુદરતી રચનાથી બનેલ ડેમ ઓવરફલો થઇ જશે હાલ ડેમમાં ૩૯ ફૂટ પાણી જમા થઇ ચૂક્યું છે. ગીરની વનરાજી લીલીછમ બની જતાં આંખોને ઠારે અને જોતા રહી જાય તેવા મનમોહક દ્રશ્યો ગીર જંગલની સુંદરતા વધારી રહ્યા છે.
 
બીલખામાં ચાર ઈંચ
 
બીલખા અને આસપાસનાં ગામોમાં મેઘમહેરથી ૪ ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. રામનાથ મંદિર પાસેથી વહેતી ગુડાજલી નદીમાં ઘોડાપુર આવતાં ભયજનક સપાટીએ વહી હતી.
 
વડાલમાં પાંચ ઈંચ
 
વડાલ અને આસપાસનાં ગામોમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ પાંચ ઇંચ વરસાદ ખાબકી જતાં મોસમનો ૪૨ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો.
 
મેંદરડામાં બે ઈંચ
 
મેંદરડાનાં માલણકા ગામ પાસે આવેલ મધુવંતી ડેમ ભારે વરસાદથી છલકાઇ ગયો હતો. પંથકમાં વધુ બે ઇંચ પાણી પડી ગયું હતું.
 
સ્થળાંતરની ભાખરવડનાં ગ્રામજનોની ના
 
માળિયાહાટીનામાં વધુ ૪ ઇંચ વરસાદ ખાબકી જતાં ભાખરવડ ડેમ ફરી છલકાઇ ગયો હતો. ગામ સુધી પાણી પહોંચી જતાં એસડીએમ મયાત્રા, ટીડીઓ પાણેરી, મામલતદાર ચૌહાણ સહિ‌તનાં અધિકારીઓની ટીમે સ્થળ પર દોડી જઇ હાલ પુરતું સ્થળાંતર કરવા માટે ગ્રામજનોને જણાવેલ પરંતુ વળતર અંગેનાં પડતર પ્રશ્નોને લઇ કોઇપણ કિંમતે સ્થળાંતર માટે તૈયાર થયેલ ન હોવાનું મામલતદાર પાસેથી જાણવા મળ્યું હતું. આ ડેમનું કુલ ૭૩ મીટર ઉંચાઇનાં ડેમનું ૬૮.૯પ મીટર બાંધકામ થયું હોવાનું ડે.ઇજનેર પનારાએ જણાવ્યું હતું. મેઘલ, લાઠોદરીયા નદી અને વોંકળામાં પુર આવતાં સ્ટેશન પ્લોટ, સરદારનગર, માધવનગર, જલારામ મીલ સહિ‌તનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.
 
સોરઠની શાળાઓમાં બે દિ’ની રજા
 
જિલ્લામાં તોફાની વરસાદને પગલે અગમચેતીનાં ભાગરૂપે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.૨૬ અને ૨૭ એમ બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કલેકટરે આદેશ કર્યો છે.

No comments: